Advertisement

GSEB પૂરક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા

GSEB પૂરક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા તાજેતરમાં જ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સાયન્સ તથા આર્ટસ-કોમર્સના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ કસોટીમાં જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે તેઓ આગળના અભ્યાસ તરફ વધી રહ્યા છે, પરંતુ જે વિદ્યાર્થીઓ કોઈપણ કારણોસર નાપાસ થયા છે તેમના માટે બોર્ડે મહત્વનો નિર્ણય લીધો છે. બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ના અનુત્તીર્ણ વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની આપવામાં આવેલી અંતિમ તારીખોમાં વધારો કરવામાં આવ્યો છે, જેથી વંચિત રહી ગયેલા ગ્રાઉન્ડ લેવલના વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે.


 ગુજરાત બોર્ડ (GSEB) દ્વારા ધોરણ-૧૦ (SSC) અને ધોરણ-૧૨ (HSC) વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બૂનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમાની પુરક પરીક્ષાની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. શિક્ષણ બોર્ડના નિયમો મુજબ અનુત્તીર્ણ થયેલા તેમજ પરીક્ષામાં બેસવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે આ પુરક પરીક્ષાઓ આગામી ૧૧ જૂન ૨૦૨૬થી શરૂ થશે અને ૨૦ જૂન ૨૦૨૬ સુધી ચાલશે. આ પરીક્ષાનો વિગતવાર અને વિષયવાર કાર્યક્રમ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર મૂકી દેવામાં આવ્યો છે, જેની વાલીઓ અને શાળાના આચાર્યોએ નોંધ લેવાની રહેશે.


 ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬ની ધોરણ-૧૦ અને ૧૨ની મુખ્ય પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ એક અથવા વધુ વિષયોમાં ગેરહાજર રહ્યા છે, નાપાસ થયા છે અથવા જેમના ગુણપત્રકમાં “NEEDS IMPROVEMENT” દર્શાવાયું છે, તેઓ આ પૂરક પરીક્ષા-૨૦૨૬માં ભાગ લઈ શકશે. આ ઉપરાંત, જે વિદ્યાર્થીઓ પાસ હોવા છતાં પોતાના પરિણામમાં સુધારો કરવા ઈચ્છે છે તેઓ પણ પરીક્ષા આપી શકશે. પૂરક પરીક્ષા માટે ઓનલાઈન આવેદન અને ફી ભરવાની અંતિમ તારીખ અગાઉ ૧૫ મે ૨૦૨૬ હતી, જેને હવે બોર્ડ દ્વારા વધુ ત્રણ દિવસ લંબાવીને ૧૮ મે ૨૦૨૬ (સાંજે ૫ વાગ્યા સુધી) કરવામાં આવી છે. શાળાઓએ બોર્ડની સત્તાવાર વેબસાઇટ મારફતે જ ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે, રૂબરૂ કે ટપાલ દ્વારા કોઈ અરજી સ્વીકારાશે નહીં.


 બોર્ડ દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ, ધોરણ-૧૦ની પરીક્ષામાં નાપાસ અથવા ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ હવે પૂરક પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત વચ્ચે પોતાની પસંદગી બદલાવી શકશે. આ ઉપરાંત, જે વિદ્યાર્થીઓ અગાઉ બેઝિક ગણિત સાથે પાસ થયા છે અને હવે આગળ સાયન્સ લેવા માટે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા આપવા માગે છે, તેઓ અલગથી અરજી કરી શકશે. બોર્ડે સામાજિક જવાબદારીના ભાગરૂપે તમામ કન્યા ઉમેદવારો (વિદ્યાર્થીનીઓ) અને દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા ફીમાંથી સંપૂર્ણ મુક્તિ આપી છે, જોકે આવા વિદ્યાર્થીઓ માટે પણ ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.

Advertisement