નવી દિલ્હી: ગોધરા ટ્રેન અગ્નિકાંડ કેસમાં દોષિત ઇરફાન સિરાજ પાડાને સુપ્રીમ કોર્ટ દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. સોમવારે સુનાવણી દરમિયાન કોર્ટે તેની સજા સ્થગિત કરીને તબીબી આધાર પર જામીન મંજૂર કર્યા છે. ખાસ વાત એ છે કે ગુજરાત સરકારે પણ દોષિતની તબીબી સ્થિતિ અંગે કોઈ વાંધો વ્યક્ત કર્યો નહોતો.
આ અગાઉ વર્ષ 2025માં પણ ઇરફાનને સમય પહેલાં મુક્તિની અરજી અંગે રાજ્ય સરકાર વિચારણા કરી શકે તે હેતુથી વચગાળાના પેરોલ આપવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગોધરા ટ્રેન અગ્નિકાંડ કેસમાં કુલ 31 લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. જેમાંથી અત્યાર સુધીમાં 11 દોષિતોને જામીન મળી ચૂક્યા છે. આ કેસમાં અન્ય દોષિતોની અપીલો પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.
શું હતી ગોધરા ટ્રેન અગ્નિકાંડની ઘટના?
27 ફેબ્રુઆરી, 2002ના રોજ અયોધ્યાથી પરત ફરી રહેલી સાબરમતી એક્સપ્રેસના S-6 કોચમાં ગોધરા નજીક આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 58 લોકોનાં મોત થયા હતા. ટ્રેનમાં મોટી સંખ્યામાં કારસેવકો મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટના બાદ ગુજરાતમાં વ્યાપક કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં.
ટ્રાયલ કોર્ટે 31 લોકોને સંભળાવી હતી સજા
માર્ચ 2011માં ટ્રાયલ કોર્ટે આ કેસમાં 31 લોકોને દોષિત ઠેરવ્યા હતા. તેમાંથી 11 આરોપીઓને ફાંસીની સજા જ્યારે અન્ય 20ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે, 63 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ વર્ષ 2017માં ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી, જ્યારે અન્ય 20 દોષિતોની સજા યથાવત રાખી હતી. વર્ષ 2018થી દોષિતોની અપીલો સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે.
2022થી અત્યાર સુધીમાં 10 દોષિતોને મળી ચૂક્યા છે જામીન
આ કેસમાં મે 2022માં સુપ્રીમ કોર્ટે અબ્દુલ રહેમાન ધંતિયા ઉર્ફે કંક્ટ્ટો ઉર્ફે જંબુરોને છ મહિનાના વચગાળાના જામીન આપ્યા હતા. તેની પત્ની અંતિમ તબક્કાના કેન્સરથી પીડિત હતી અને તેની દીકરીઓ માનસિક રીતે દિવ્યાંગ હતી. બાદમાં નવેમ્બર 2022માં તેના જામીન 31 માર્ચ 2023 સુધી લંબાવવામાં આવ્યા હતા.
ડિસેમ્બર 2022માં અન્ય એક દોષિત ફારૂકને પણ જામીન આપવામાં આવ્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે તે 17 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવી ચૂક્યો હતો અને ટ્રેન પર પથ્થરમારો કરવાની તેની ભૂમિકા હતી. ત્યારબાદ 21 એપ્રિલ 2023ના રોજ સુપ્રીમ કોર્ટે વધુ 8 દોષિતોને જામીન આપ્યા હતા.
ગોધરા કાંડ બાદ રમખાણોમાં 1,044 લોકોનાં મોત
ગોધરા ટ્રેન અગ્નિકાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણોમાં સરકારી આંકડા અનુસાર કુલ 1,044 લોકોનાં મોત થયાં હતાં. જેમાં 790 મુસ્લિમ અને 254 હિંદુ નાગરિકોનો સમાવેશ થાય છે.
28 ફેબ્રુઆરી, 2002ના રોજ અમદાવાદની ગુલબર્ગ હાઉસિંગ સોસાયટીમાં ટોળાએ હુમલો કર્યો હતો, જેમાં 69 લોકોનાં મોત થયાં હતાં. રમખાણો દરમિયાન રાજ્યમાં સ્થિતિ અત્યંત તંગ બની ગઈ હતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને કાબૂમાં લેવા માટે ત્રીજા દિવસે સેનાને તૈનાત કરવી પડી હતી.
આમ, ગોધરા ટ્રેન અગ્નિકાંડ કેસમાં લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા વચ્ચે વધુ એક દોષિતને તબીબી કારણોસર સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી છે.