ભગવાન હનુમાન ભારતના 'આયર્ન મેન', સની દેઓલની પસંદગી પાછળનું કારણ આવ્યું સામે; 'રામાયણ-2'નું 60% શૂટિંગ પૂર્ણ

ભગવાન હનુમાન ભારતના 'આયર્ન મેન', સની દેઓલની પસંદગી પાછળનું કારણ આવ્યું સામે; 'રામાયણ-2'નું 60% શૂટિંગ પૂર્ણ

ભારતીય સિનેમાની સૌથી ચર્ચિત ફિલ્મોમાં સામેલ 'રામાયણ'ને લઈને એક પછી એક નવી વિગતો સામે આવી રહી છે. ફિલ્મના નિર્માતા નમિત મલ્હોત્રાએ ભગવાન હનુમાનની લોકપ્રિયતાની સરખામણી હોલીવુડના સુપરહીરો આયર્ન મેન સાથે કરી છે. બીજી તરફ, ડિરેક્ટર નિતેશ તિવારીએ ભગવાન હનુમાનના પાત્ર માટે સની દેઓલની પસંદગી કરવા પાછળનું કારણ પણ સ્પષ્ટ કર્યું છે. આ સાથે ફિલ્મના બીજા ભાગના શૂટિંગને લઈને પણ મહત્ત્વની અપડેટ સામે આવી છે.


ગોલ્ડ ડર્બીને આપેલા ઇન્ટરવ્યૂમાં નમિત મલ્હોત્રાએ જણાવ્યું કે, 'રામાયણ'માં ભગવાન હનુમાન સૌથી વધુ લોકપ્રિય પાત્રોમાંથી એક છે. ભારતમાં તેમની લોકપ્રિયતા સુપરહીરો આયર્ન મેન જેટલી છે. નિર્માતાઓએ પ્રથમ ભાગના અંતે હનુમાનજીની માત્ર એક ઝલક બતાવવાનો નિર્ણય લીધો હતો. આ પાછળનો હેતુ દર્શકોમાં બીજા ભાગને લઈને ઉત્સુકતા જાળવી રાખવાનો હતો. ફિલ્મના પોસ્ટ-ક્રેડિટ સીનમાં સની દેઓલ ભગવાન હનુમાનના રૂપમાં જોવા મળે છે.


સની દેઓલને જ કેમ પસંદ કરવામાં આવ્યા?


ડિરેક્ટર નિતેશ તિવારીએ જણાવ્યું કે, ભગવાન હનુમાનના પાત્ર માટે એવા કલાકારની જરૂર હતી, જેની અંદર નિર્દોષતા, લોકપ્રિયતા અને સાથે જ પ્રચંડ શક્તિનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળે. તેમના મતે, ગુસ્સામાં પહાડોને પણ હચમચાવી નાખે તેવી છબી આ પાત્ર માટે જરૂરી હતી.


નિતેશ તિવારીએ કહ્યું કે, ભારતમાં સની દેઓલની છબી કંઈક આવી જ છે. તેમણે અગાઉ ભલે કોઈ સુપરહીરોની ભૂમિકા ન ભજવી હોય, પરંતુ દર્શકો તેમને સુપરહીરો જેવી લોકપ્રિયતા આપે છે. અગાઉ દારા સિંહ જેવા દિગ્ગજ કલાકારો પણ ભગવાન હનુમાનની ભૂમિકા ભજવી ચૂક્યા છે. આથી આ પાત્રને પડદા પર રજૂ કરવું નિર્માતાઓ માટે એક મોટો પડકાર પણ હતો.


પહેલા ભાગમાં સીતાહરણ સુધીની કહાની


'રામાયણ: પાર્ટ 1'માં બે સમાંતર વાર્તાઓ રજૂ કરવામાં આવી છે. એક તરફ રાવણની પાતાળ લોકમાંથી બહાર આવી લંકાની ગાદી હાંસલ કરવાની અને પોતાની શક્તિ વધારવાની સફર દર્શાવવામાં આવી છે. જ્યારે બીજી તરફ ભગવાન રામનો જન્મ, સીતા સ્વયંવર અને વનવાસ દરમિયાન સીતાહરણ સુધીની ઘટનાઓને આવરી લેવામાં આવી છે.


બીજા ભાગનું 60 ટકા શૂટિંગ પૂર્ણ


ફિલ્મના બીજા ભાગને લઈને પણ મહત્ત્વની માહિતી સામે આવી છે. સિનેમેટોગ્રાફર પંકજ કુમારે 'ધ હોલીવુડ રિપોર્ટર ઇન્ડિયા'ને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, 'રામાયણ: પાર્ટ 2'નું અંદાજે 60 ટકા શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. જોકે, હજુ મોટા પાયે VFX અને મોશન કૅપ્ચરનું કામ બાકી છે.


નિતેશ તિવારી અને પંકજ કુમારના જણાવ્યા અનુસાર, ફિલ્મનો બીજો ભાગ વાર્તા અને ભવ્યતાની દૃષ્ટિએ પ્રથમ ભાગ કરતાં પણ મોટો હશે. તેમના મતે, રામાયણની અસલી વાર્તા હવે બીજા ભાગમાં આગળ વધશે.


બોક્સ ઓફિસ પર પણ ફિલ્મનો દબદબો


બીજી તરફ, બોક્સ ઓફિસ પર પણ ફિલ્મ સતત કમાણી કરી રહી છે. રિલીઝના 18મા દિવસે ફિલ્મે ₹35.60 કરોડનું નેટ કલેક્શન કર્યું હોવાનું જણાવાયું છે. આ સાથે ભારતમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન ₹942.75 કરોડ અને ગ્રોસ કલેક્શન ₹1,126.50 કરોડ થયું છે. જ્યારે વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન ₹1,693.50 કરોડ સુધી પહોંચ્યું છે.


ફિલ્મે ત્રીજા વીકએન્ડમાં કુલ ₹79 કરોડની નેટ કમાણી કરી હતી. જેમાં શુક્રવારે ₹15.75 કરોડ, શનિવારે ₹27.65 કરોડ અને રવિવારે ₹35.60 કરોડનો સમાવેશ થાય છે. જોકે, ત્રીજા રવિવારની કમાણી બીજા રવિવારની ₹75 કરોડની કમાણી કરતાં 52.5 ટકા ઓછી રહી હતી.


હવે દર્શકોમાં બીજા ભાગમાં ભગવાન હનુમાનના સંપૂર્ણ પાત્રની રજૂઆત અને રામ-રાવણ યુદ્ધની ભવ્યતા જોવા માટે ઉત્સુકતા વધી રહી છે.