દિવાળીના તહેવાર પહેલાં મોંઘવારીનો વધુ એક માર સામાન્ય નાગરિકો પર પડ્યો છે. અદાણી કંપની દ્વારા CNGના ભાવમાં ફરી એકવાર પ્રતિ કિલો રૂ.2.30નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા સાથે CNGનો ભાવ રૂ.98.47થી વધીને હવે રૂ.100.77 પ્રતિ કિલો થઈ ગયો છે. ખાસ વાત એ છે કે માત્ર 13 દિવસના ટૂંકા ગાળામાં બીજી વખત ભાવવધારો કરવામાં આવ્યો છે. આ અગાઉ 23 ઓક્ટોબરે પણ CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ.4.45નો વધારો કરવામાં આવ્યો હતો.
13 દિવસમાં બે વખત ભાવવધારો, CNG રૂ.100ને પાર
તહેવારોની સિઝનમાં વાહનચાલકોની અવરજવર વધતી હોય છે, ત્યારે CNGના ભાવમાં થયેલા સતત વધારાથી લોકોના બજેટ પર અસર થવાની શક્યતા છે. ખાસ કરીને દરરોજ વાહનનો ઉપયોગ કરીને નોકરી-ધંધા માટે અપ-ડાઉન કરતા લોકો અને CNG આધારિત વાહનો ચલાવતા રિક્ષાચાલકો માટે આ ભાવવધારો ચિંતાજનક બન્યો છે.
CNGનો ભાવ હવે રૂ.100ની સપાટી વટાવી ગયો છે, જેના કારણે રિક્ષાચાલકોની દૈનિક આવક અને બચત પર પણ સીધી અસર પડી શકે છે.
CNGમાં સબસિડી આપવાની રિક્ષાચાલકોની માગ
CNGના સતત વધતા ભાવને લઈને રિક્ષાચાલકોમાં લાંબા સમયથી નારાજગી જોવા મળી રહી છે. રિક્ષાચાલકોએ અગાઉ વાહનવ્યવહાર કમિશનર અને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરીને CNG પર સબસિડી આપવાની માગ કરી હતી.
રિક્ષાચાલકોએ દિવાળી પહેલાં તેમની માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. જોકે, આ રજૂઆતો વચ્ચે ફરી એકવાર ભાવવધારો થતાં રિક્ષાચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ઓલા-ઉબર અને રેપિડો સામે પણ રિક્ષાચાલકોની નારાજગી
બીજી તરફ, CNGના ભાવમાં સતત વધારો થતાં રાજ્ય સરકાર દ્વારા રિક્ષાના ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો હોવા છતાં રિક્ષાચાલકોની મુશ્કેલીઓ યથાવત્ છે. રિક્ષાચાલકોનો આક્ષેપ છે કે ઓલા, ઉબર અને રેપિડો જેવી ઓનલાઇન એપ્લિકેશન પર તેમને સરકાર દ્વારા નક્કી કરાયેલા વધારેલા ભાડાનો લાભ મળતો નથી.
રિક્ષાચાલકોના જણાવ્યા મુજબ, પ્રતિ કિલોમીટર રૂ.20 મળવા જોઈએ તેની સામે ઓનલાઇન એપ્લિકેશન દ્વારા માત્ર રૂ.10થી રૂ.12 જેટલું જ ભાડું ચૂકવવામાં આવે છે. આ મુદ્દે રિક્ષાચાલકો દ્વારા ઓનલાઇન એપ્લિકેશનનો બહિષ્કાર પણ કરવામાં આવી રહ્યો છે.
એક તરફ CNGના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ ભાડાને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે દિવાળીના તહેવાર પહેલાં રિક્ષાચાલકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા સરકાર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે.