ચરોતર પંથકમાં આગામી દિવસોમાં હવામાનમાં આંશિક ફેરફાર જોવા મળવાની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ દરમિયાન આકાશમાં અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે રાત્રિના તાપમાનમાં આશરે 2 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. જેના કારણે દિવસની ગરમીમાં થોડી રાહત મળી શકે છે.
આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હાલમાં કોઈ મોટી હવામાન સિસ્ટમ સક્રિય નથી. સતત ગરમીના કારણે સ્થાનિક સ્તરે નાના વાદળો બનવાની શક્યતા છે. આગામી પાંચ દિવસ દરમિયાન વાદળોની હાજરીને કારણે મહત્તમ તાપમાનમાં આશરે 2 ડિગ્રીનો ઘટાડો થઈને તે 34 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે.
વરસાદની શક્યતા નહિવત
હાલ ચરોતર વિસ્તારમાં વરસાદની કોઈ શક્યતા નથી. ચોમાસાની સિઝન હવે પૂર્ણતાને આરે પહોંચી છે અને આગામી સપ્તાહ દરમિયાન ચોમાસું સંપૂર્ણપણે વિદાય લેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ આશરે 60 ટકા રહેવાની આગાહી છે.
આ સાથે દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનોનું જોર યથાવત રહેવાની શક્યતા છે. પવનની ઝડપ પ્રતિ કલાક આશરે 10 કિલોમીટર રહેવાનું અનુમાન છે.
ત્રણ દિવસ બાદ ફરી ગરમી વધશે
હવામાન વિભાગના અનુમાન મુજબ, ત્રણ દિવસ બાદ વાદળો હટી જતાં મહત્તમ તાપમાનમાં ફરી આશરે 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. એટલે કે હાલ મળતી ગરમીમાંથી રાહત ટૂંકા ગાળા માટે રહેવાની શક્યતા છે.
તમાકુના ખેડૂતો માટે મહત્વની સલાહ
હાલ ચરોતરમાં તમાકુની રોપણીનું કામ ચાલી રહ્યું છે અને ધરૂવાડિયા પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ગરમીના કારણે નવા છોડને નુકસાન ન થાય તે માટે ખેડૂતોને જમીનની જરૂરિયાત અને ભેજ પ્રમાણે યોગ્ય પ્રમાણમાં પાણી આપવાની સલાહ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવી છે.