ભેટાસીમાં વીજળીની સમસ્યા, DPની હાલત સામે સવાલો
આંકલાવ તાલુકાના ભેટાસી ગામના ભગવનપુરા વિસ્તારમાં વારંવાર વીજળી બંધ થવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે.
એક તરફ વીજળી વારંવાર ગુલ થાય છે, તો બીજી તરફ વિસ્તારમાં આવેલી વીજ ડી.પી.ની હાલત અને તેની આસપાસ ઊગી નીકળેલા વૃક્ષો-વેલાઓને લઈને પણ ગંભીર સવાલો ઉભા થયા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ડી.પી.ની આસપાસ મોટી સંખ્યામાં વૃક્ષો અને વેલાઓ ઊગી નીકળતા ડી.પી.નો મોટાભાગનો હિસ્સો ઢંકાઈ ગયો છે. સાથે જ ડી.પી. જૂની અને ખરાબ હાલતમાં હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
આવી સ્થિતિમાં વીજ ખામી સર્જાય તો નજીકના રહેવાસીઓ તેમજ ત્યાંથી પસાર થતા લોકોની સુરક્ષા સામે જોખમ ઊભું થઈ શકે છે. ખાસ કરીને ચોમાસામાં વૃક્ષો અને વેલાઓના કારણે વીજ લાઈનમાં ખામી સર્જાવાની શક્યતા પણ વધી જાય છે.
સ્થાનિક વીજ ગ્રાહકોનો આક્ષેપ છે કે સમસ્યા અંગે અનેક વખત વીજ વિભાગને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કાયમી ઉકેલ આવ્યો નથી.
એટલું જ નહીં, વીજળી બંધ થાય ત્યારે ફરિયાદ નંબર પર ફોન કરવામાં આવે છે, પરંતુ ઘણી વખત ફોનનો જવાબ મળતો નથી, તેવો પણ સ્થાનિકોનો આક્ષેપ છે.
વારંવાર વીજળી બંધ રહેતા માત્ર ઘરવપરાશના ગ્રાહકો જ નહીં, પરંતુ નાના વેપારીઓ સહિત અન્ય વીજ ગ્રાહકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ત્યારે કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલાં વીજ વિભાગ દ્વારા ભગવનપુરાની ડી.પી.ની તાત્કાલિક સફાઈ કરાવી વૃક્ષો અને વેલાઓ દૂર કરવામાં આવે, ખરાબ ડી.પી.નું સમારકામ કરવામાં આવે અને વારંવાર બંધ થતી વીજળીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે, તેવી સ્થાનિકોએ માંગ કરી છે.
સાથે જ વીજ ફરિયાદો અંગે ગ્રાહકોના ફોનનો યોગ્ય સમયે જવાબ મળે તેવી વ્યવસ્થા કરવાની પણ માંગ ઉઠી છે.
હવે સવાલ એ છે કે, અકસ્માતની રાહ જોવાને બદલે વીજ વિભાગ ક્યારે જાગશે?