Advertisement

બાકરોલ ખાતે મફત નેત્ર નિદાન કેમ્પ યોજાયો, ૧૧૦થી વધુ લાભાર્થીઓએ લીધો લાભ

રાષ્ટ્રીય અંધજન મંડળ, આણંદ અને બીપીએ પોરેચા આંખની હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે જનસેવા કેન્દ્ર, બાકરોલ ખાતે અંધત્વ નિવારણ અને આંખોની સંભાળ અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુસર મફત નેત્ર નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં બાકરોલ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર હાજરી આપી અને નિઃશુલ્ક આંખોની તપાસનો લાભ મેળવ્યો હતો.


આ પ્રસંગે જનસેવા કેન્દ્ર, બાકરોલના પ્રમુખ જગદીશભાઈ આચાર્ય, ઉપપ્રમુખ નિરંજનભાઈ પટેલ, સેક્રેટરી મહેશભાઈ પંડ્યા, ખજાનચી ગીરીશભાઈ પટેલ, સભ્ય મયુરીબેન પંડ્યા, નિરંજનાબેન આચાર્ય, સ્મિતાબેન પટેલ, દક્ષાબેન પટેલ, ધર્મેશભાઈ પટેલ તેમજ જ્યોત્સનાબેન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવમય બનાવ્યો હતો.


કેમ્પ દરમિયાન ૧૧૦થી વધુ લાભાર્થીઓની નિઃશુલ્ક આંખોની તપાસ કરવામાં આવી હતી. જરૂરિયાતમંદ દર્દીઓને મફત ચશ્માંનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે આંખોની યોગ્ય સંભાળ, સમયસર સારવાર અને અંધત્વ નિવારણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેના કારણે કેમ્પ માત્ર સારવાર પૂરતો મર્યાદિત ન રહી જનજાગૃતિ અભિયાનરૂપ સાબિત થયો હતો.


સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે રાષ્ટ્રીય અંધજન મંડળ, આણંદના કર્મચારીઓ તથા સેવાભાવી કાર્યકરોએ નોંધપાત્ર સહકાર અને સેવા આપી હતી. કાર્યક્રમના અંતે રાષ્ટ્રીય અંધજન મંડળ, આણંદના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત મહાનુભાવો, ડોક્ટર ટીમ, સેવાભાવી કાર્યકરો તથા તમામ લાભાર્થીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સમાજમાં આંખોની સુરક્ષા, સમયસર નિદાન અને અંધત્વ નિવારણ અંગે જાગૃતિ લાવવી આજના સમયની મહત્વપૂર્ણ જરૂરિયાત છે અને આવા સેવાકીય કેમ્પો સમાજ માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે.

Advertisement