Advertisement

અમરેલી કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, ઈ-મેઈલ મળતા પોલીસ એલર્ટ

અમરેલી કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, ઈ-મેઈલ મળતા પોલીસ એલર્ટ

અમરેલી શહેરમાં સરકારી સંસ્થાઓને નિશાન બનાવતા ધમકીભર્યા ઈ-મેઈલનો સિલસિલો યથાવત્ રહ્યો છે. આજે 9 માર્ચે અમરેલી કોર્ટની જજ ચેમ્બર સહિત સમગ્ર કોર્ટ પરિસરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળતા પોલીસ તંત્ર દોડતું થયું હતું.


મળતી માહિતી મુજબ અજાણ્યા શખ્સે મોકલેલા ઈ-મેઈલમાં કોર્ટ પરિસરમાં 14 RDX ભરેલા બોમ્બથી વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી. ઈ-મેઈલમાં અજમલ કસાબ અને તમિલનાડુ મુદ્દાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.


ધમકી મળતા જ પોલીસ કાફલો તરત જ કોર્ટ પરિસરે પહોંચી ગયો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોર્ટનું કામકાજ તાત્કાલિક બંધ કરાવીને વકીલો, કર્મચારીઓ અને પક્ષકારોને બહાર કાઢી સમગ્ર પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું.


પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને FSL ટીમની મદદથી કોર્ટ પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. કોર્ટની બહાર મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ અમરેલીની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. વારંવાર આવી રહેલા ધમકીભર્યા ઈ-મેઈલ પાછળ કોઈ મોટું ષડયંત્ર છે કે કોઈની ટીખળ છે તે દિશામાં સાયબર ક્રાઈમ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisement