Advertisement

અમદાવાદનો નવો નકશો: 50 હજાર પાકા મકાનો અને ફાટકમુક્ત શહેર, ભાજપે સંકલ્પ પત્રમાં ખોલ્યો વાયદાઓનો પટારો.

અમદાવાદનો નવો નકશો: 50 હજાર પાકા મકાનો અને ફાટકમુક્ત શહેર, ભાજપે સંકલ્પ પત્રમાં ખોલ્યો વાયદાઓનો પટારો.

અમદાવાદ: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ જીતવા માટે અમદાવાદ શહેર ભાજપે પોતાનું વિઝન ડોક્યુમેન્ટ એટલે કે 'સંકલ્પ પત્ર' જાહેર કર્યું છે. શહેર પ્રભારી ઋષિકેશ પટેલ દ્વારા રજૂ કરાયેલા આ ઢંઢેરાને “જન સમર્થન” નામ આપવામાં આવ્યું છે. જેમાં આગામી પાંચ વર્ષમાં અમદાવાદને વિશ્વકક્ષાનું આધુનિક શહેર બનાવવાના અનેક મહત્વકાંક્ષી લક્ષ્યાંકો નિર્ધારિત કરવામાં આવ્યા છે.


ગરીબ અને મધ્યમ વર્ગ માટે આવાસ-આરોગ્યના વાયદા:

ભાજપે અમદાવાદને સંપૂર્ણપણે સ્લમમુક્ત બનાવવાનો મોટો સંકલ્પ કર્યો છે, જેના અંતર્ગત 50 હજારથી વધુ પાકા મકાનો બાંધવામાં આવશે. આરોગ્ય ક્ષેત્રે કેન્સરના વિશેષ અધ્યયન માટે નવી હોસ્પિટલ અને 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને ઘરે બેઠા જ લેબોરેટરી ટેસ્ટ અને સારવારની સુવિધા આપવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.


મહિલા સશક્તિકરણ અને વરિષ્ઠ નાગરિકો:

  • મહિલા આરક્ષણ: AMCની ભરતીઓમાં મહિલાઓ માટે 30% બેઠકો અનામત રાખવામાં આવશે.
  • પિંક બસ: મહિલાઓની સુરક્ષિત મુસાફરી માટે BRTSમાં ખાસ પિંક બસ સેવા શરૂ થશે.
  • મહિલા જીમ: દરેક વોર્ડમાં ફક્ત મહિલાઓ માટે આધુનિક જીમ બનાવવાની યોજના.
  • અમદાવાદ દર્શન: 65 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે શહેરના જોવાલાયક સ્થળોની મુલાકાત નિઃશુલ્ક રહેશે.


ટ્રાફિક મુક્ત અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિઝન:

શહેરના ટ્રાફિકને હળવો કરવા માટે AI (Artificial Intelligence) આધારિત મેનેજમેન્ટ સિસ્ટમ અને 100 લેફ્ટ ટર્ન ખુલ્લા કરવાનું આયોજન છે. 'ફાટકમુક્ત અમદાવાદ' બનાવવા માટે 17 નવા ઓવરબ્રિજ અને 3 અંડરબ્રિજ બનાવવામાં આવશે. ટ્રાન્સપોર્ટમાં સુધારા રૂપે AMTS-BRTS માટે એક જ ટિકિટ (Common Ticketing) અને 3000 જેટલી ઈલેક્ટ્રિક બસોને AC કરવાની ખાતરી અપાઈ છે.


પર્યાવરણ અને સુવિધાઓ:

શહેરના વર્ષો જૂના પ્રશ્ન એવી પીરાણા ડમ્પિંગ સાઇટને સંપૂર્ણ દૂર કરવાની સાથે, 500 કિમી લાંબી જૂની ડ્રેનેજ લાઈનો બદલવા અને જળસંચય માટે 2000 પર્કોલેશન વેલ બનાવવાની વાત સંકલ્પ પત્રમાં સ્થાન પામી છે. મનોરંજન અને રમતગમત માટે દરેક ઝોનમાં મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને મોડર્ન પાર્ટી પ્લોટ વિકસાવવામાં આવશે.

Advertisement