અમદાવાદમાં 149મી રથયાત્રા પૂર્વે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત, રૂટ પર 500થી વધુ જવાનોની ફ્લેગ માર્ચ

અમદાવાદમાં 149મી રથયાત્રા પૂર્વે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત, રૂટ પર 500થી વધુ જવાનોની ફ્લેગ માર્ચ

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે શહેર પોલીસ એક્શનમાં જોવા મળી છે. યાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે સમગ્ર રૂટ પર 500થી વધુ પોલીસ જવાનો દ્વારા ભવ્ય ફ્લેગ માર્ચ યોજાઈ હતી.

નવા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાત્રે પોલીસના ઉચ્ચ અધિકારીઓની આગેવાનીમાં ફ્લેગ માર્ચ શરૂ કરવામાં આવી હતી, જેમાં શહેરના વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ ફ્લેગ માર્ચ જમાલપુર, કાલુપુર, દરિયાપુર, શાહપુર, રાયખડ, આસ્ટોડિયા, સરસપુર અને ખાડિયા સહિત રથયાત્રાના સમગ્ર માર્ગ પરથી પસાર થઈ હતી. આ દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ અને સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

શહેર પોલીસનું કહેવું છે કે રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષાના તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે અને સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે.