અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન કોર્ટ અમદાવાદ ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને કોર્ટ સંકુલ તાત્કાલિક ખાલી કરાવી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
ધમકી મળ્યા બાદ કોર્ટમાં હાજર વકીલો, સ્ટાફ અને અસીલોને બહાર કાઢી દેવામાં આવ્યા હતા. સાથે જ સાવચેતીના ભાગરૂપે અપના બજાર બિલ્ડિંગમાં ચાલતા કોર્ટના કેટલાક વિભાગો પણ ખાલી કરાવવામાં આવ્યા છે.
સ્થળ પર પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો પહોંચી તપાસ હાથ ધરી છે. ફાયર વિભાગની ત્રણ ગાડીઓ પણ તહેનાત કરવામાં આવી છે. હાલ સમગ્ર કોર્ટ કેમ્પસનું ખૂણેખૂણે ચેકિંગ ચાલી રહ્યું છે અને ધમકી કોણે આપી તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.