56 વર્ષ જૂની જર્જરિત ઈમારતમાંથી પોપડા ઉખડીને નીચે પડી રહ્યા છે... અને વેપારીઓ તથા ગ્રાહકોને જીવના જોખમે અહીં આવવું પડી રહ્યું છે.
આણંદ APMC હસ્તક અમૂલ ડેરી રોડ પર આવેલી શાકમાર્કેટની બિલ્ડિંગ હાલ અત્યંત જર્જરિત હાલતમાં છે. દીવાલો અને છતમાંથી પોપડા પડવાની ઘટનાઓને કારણે વેપારીઓને નાની-મોટી ઈજાઓ પણ થઈ હોવાની માહિતી છે.
પરિસ્થિતિ એવી બની છે કે પોતાના બચાવ માટે વેપારીઓએ માર્કેટમાં લીલી નેટ બાંધવી પડી છે.
આ ઈમારત વર્ષ 1970માં છૂટક શાકભાજીનું વેચાણ કરતા વેપારીઓ માટે બનાવવામાં આવી હતી. એટલે કે આજે આ બિલ્ડિંગને લગભગ 56 વર્ષ થઈ ચૂક્યા છે.
મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે APMC તંત્ર દ્વારા છેલ્લા ચાર વર્ષથી દુકાનદારોને નોટિસો આપવામાં આવી રહી છે.
તાજેતરમાં જ 130થી વધુ દુકાનદારોને બિલ્ડિંગ ખાલી કરવા માટે આખરી નોટિસ પણ આપવામાં આવી છે.
પરંતુ સમસ્યા એ છે કે.
વેપારીઓ દુકાનો ખાલી કરવા તૈયાર નથી!
APMC તંત્ર જર્જરિત બિલ્ડિંગને તોડી પાડીને ત્યાં પતરાના શેડ સહિત નવી વ્યવસ્થા ઊભી કરવા માગે છે. બીજી તરફ વેપારીઓની માંગ છે કે ધંધો ચાલુ રાખવા માટે તેમને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે.
પરંતુ હાલ પૂરતી વૈકલ્પિક જગ્યા ઉપલબ્ધ ન હોવાથી APMC તંત્ર પણ મૂંઝવણમાં છે.
હવે સમગ્ર મામલો વહીવટી તંત્ર માટે માથાનો દુખાવો બની ગયો છે.
APMC સત્તાધીશો દ્વારા સમગ્ર સ્થિતિ અંગે આણંદ જિલ્લા કલેક્ટર અને મનપા કમિશનરને લેખિતમાં જાણ કરવામાં આવશે. ત્યારબાદ જર્જરિત બિલ્ડિંગને તોડી નવીનીકરણની કામગીરી હાથ ધરવા અંગે કડક નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
પણ સવાલ એ છે.
દુર્ઘટના સર્જાય અને કોઈનો જીવ જાય એ પહેલાં તંત્ર નિર્ણય લેશે?
કે પછી જર્જરિત દીવાલો તૂટવાની રાહ જોવાશે?