આણંદની 156 ગ્રામ પંચાયતોનું ચૂંટણી રોટેશન જાહેર: 25થી વધુ ગામોમાં અનામત બેઠકોને લઈ વિવાદ, અનેક ઉમેદવારોની તૈયારી પર પાણી ફરી વળ્યું

આણંદની 156 ગ્રામ પંચાયતોનું ચૂંટણી રોટેશન જાહેર: 25થી વધુ ગામોમાં અનામત બેઠકોને લઈ વિવાદ, અનેક ઉમેદવારોની તૈયારી પર પાણી ફરી વળ્યું

આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને આણંદ જિલ્લામાં ચૂંટણીલક્ષી હલચલ તેજ બની છે. જિલ્લા પંચાયત તંત્ર દ્વારા 187 ગ્રામ પંચાયતોમાંથી 156 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે બેઠકોનું રોટેશન જાહેર કરવામાં આવ્યું છે. જોકે, રોટેશન જાહેર થતાં જ અનેક ગામોમાં અનામત બેઠકોની ફાળવણીને લઈને અસંતોષ સામે આવ્યો છે. ખાસ કરીને 25થી વધુ ગ્રામ પંચાયતોમાં વોર્ડની વસ્તી અને અનામત બેઠકની ફાળવણી વચ્ચે વિસંગતતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

જાહેર કરાયેલા રોટેશન મુજબ કુલ 1,537 વોર્ડ સભ્યોની બેઠકોમાં અનુસૂચિત જાતિ (SC) માટે 163, અનુસૂચિત જનજાતિ (ST) માટે 99, અન્ય પછાત વર્ગ (OBC) માટે 596 અને બિનઅનામત વર્ગ માટે 689 બેઠકો ફાળવવામાં આવી છે. જોકે, કેટલીક બેઠકો એવા વોર્ડમાં ફાળવાઈ હોવાના આક્ષેપ છે, જ્યાં સંબંધિત અનામત વર્ગની વસ્તી ખૂબ ઓછી છે. જ્યારે બીજી તરફ જે વોર્ડમાં અનામત વર્ગની નોંધપાત્ર વસ્તી છે ત્યાં સામાન્ય બેઠકો જાહેર કરવામાં આવી હોવાની ફરિયાદો ઊઠી છે.

અનેક ગામોમાં વસ્તી વિભાજનના આક્ષેપ

રોટેશન પ્રક્રિયાને લઈને કેટલાક ગામોમાં અનુસૂચિત જાતિની વસ્તીનું અલગ-અલગ વોર્ડમાં વિભાજન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો થયા છે. જેના કારણે જે વિસ્તારોમાં અનામત વર્ગની વસ્તી વધારે છે ત્યાં પણ સંબંધિત સમાજને યોગ્ય રાજકીય પ્રતિનિધિત્વ નહીં મળે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, અગાઉની ગ્રામ પંચાયત ચૂંટણી દરમિયાન પણ 18થી વધુ ગામોમાં વોર્ડની વસ્તી અને અનામત બેઠકની ફાળવણીને લઈને પ્રશ્નો ઊભા થયા હતા. હવે ફરી રોટેશન જાહેર થતાં જૂના વિવાદો સામે આવ્યા છે.

તાલુકાવાર બેઠકોની ફાળવણી

જાહેર કરાયેલી વિગતો મુજબ ઉમરેઠ તાલુકાની 16 ગ્રામ પંચાયતોની કુલ 152 બેઠકોમાં SC માટે 20, ST માટે 16 અને OBC માટે 29 બેઠકો ફાળવવામાં આવી છે. જ્યારે સામાન્ય મહિલા અનામતની 58 અને બિનઅનામતની 44 બેઠકો જાહેર કરવામાં આવી છે.

ખંભાત તાલુકાની 22 ગ્રામ પંચાયતોની 211 બેઠકોમાં SC માટે 16, ST માટે 5 અને OBC માટે 54 બેઠકો ફાળવાઈ છે. આ ઉપરાંત સામાન્ય મહિલા અનામતની 78 બેઠકો દર્શાવવામાં આવી છે.

તારાપુર તાલુકાની 18 ગ્રામ પંચાયતોની 150 બેઠકોમાં SC માટે 26, ST માટે 11 અને OBC માટે 36 બેઠકો ફાળવવામાં આવી છે. જ્યારે સામાન્ય મહિલા અનામતની 50 બેઠકો જાહેર કરવામાં આવી છે.

પેટલાદ તાલુકાની 15 ગ્રામ પંચાયતોની 156 બેઠકોમાં SC માટે 16, ST માટે 14 અને OBC માટે 42 બેઠકો ફાળવાઈ છે. આ ઉપરાંત સામાન્ય મહિલા અનામતની 56 બેઠકો છે.

આંકલાવ તાલુકાની 13 ગ્રામ પંચાયતોની 130 બેઠકોમાં SC માટે 12, ST માટે 10 અને OBC માટે 35 બેઠકો ફાળવવામાં આવી છે. જ્યારે સામાન્ય મહિલા અનામતની 45 બેઠકો જાહેર કરાઈ છે.

આણંદ તાલુકાની 15 ગ્રામ પંચાયતોની 186 બેઠકોમાં SC માટે 5, ST માટે 5 અને OBC માટે 14 બેઠકો ફાળવાઈ છે. જ્યારે સામાન્ય મહિલા અનામતની 67 બેઠકો છે.

સોજિત્રા તાલુકાની 5 ગ્રામ પંચાયતોની 52 બેઠકોમાં SC માટે 16, ST માટે 13 અને OBC માટે 50 બેઠકો દર્શાવવામાં આવી છે.

બોરસદ તાલુકાની 42 ગ્રામ પંચાયતોની 534 બેઠકોમાં SC માટે 52 અને ST માટે 25 બેઠકો ફાળવવામાં આવી હોવાનું જણાવાયું છે. અહીં પણ બેઠકના પ્રકાર અને વસ્તીની વિગતોને લઈને કેટલાક ગામોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

ઉમેદવારોની ચૂંટણી લડવાની તૈયારીઓ પર પાણી ફરી વળ્યું

રોટેશન જાહેર થતાં જ અનેક ગામોમાં ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલા સંભવિત ઉમેદવારોને મોટો ઝટકો લાગ્યો છે. આંકલાવ, સોજિત્રા, બોરસદ અને પેટલાદ તાલુકાના કેટલાક ગામોમાં ઉમેદવારોએ દિવાળી પહેલાથી જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. પરંતુ રોટેશનમાં તેમના વોર્ડની બેઠક મહિલા અનામત અથવા અન્ય અનામત વર્ગ માટે જાહેર થતાં હવે તેમની ચૂંટણી લડવાની શક્યતાઓ પર પ્રશ્નાર્થ સર્જાયો છે.

પીપડી ગામમાં પણ એક સંભવિત ઉમેદવાર પોતાના વોર્ડમાંથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ વોર્ડ મહિલા અનામત જાહેર થતાં તેમની તમામ તૈયારીઓ પર પાણી ફરી વળ્યું છે. આવી સ્થિતિ અનેક ગામોમાં જોવા મળી રહી છે.

કાસોર ગામમાં SC અનામત બેઠકને લઈને વિવાદ

સોજિત્રા તાલુકાના કાસોર ગામમાં અનામત બેઠકની ફાળવણીને લઈને ખાસ વિવાદ ઊભો થયો છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ, વોર્ડ નંબર 4માં અનુસૂચિત જાતિની વસ્તી બે ટકા કરતાં પણ ઓછી હોવા છતાં SC અનામત બેઠક ફાળવવામાં આવી છે. જ્યારે વોર્ડ નંબર 5માં SC અને ST સહિતના અનામત વર્ગની વસ્તી આશરે 30 ટકા હોવા છતાં ત્યાં અનામત બેઠક આપવામાં આવી નથી.

આ મામલે મતદાર યાદી તૈયાર કરતી વખતે અનામત વર્ગના મતદારોને બે-ત્રણ વોર્ડમાં વહેંચી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ થયા છે. પરિણામે સંબંધિત સમાજને યોગ્ય પ્રતિનિધિત્વથી વંચિત રાખવામાં આવી રહ્યો હોવાની નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે.

બોરસદનાં 12થી વધુ ગામોની રજૂઆત છતાં અસંતોષ

બોરસદ તાલુકામાં પણ રોટેશનને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે. બદલપુર ગામમાં જે વોર્ડમાં SC કે OBC સમાજની વસ્તી ન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યાં અનામત બેઠકો ફાળવાઈ છે. જ્યારે જે વિસ્તારોમાં સંબંધિત સમાજની વસ્તી હોવા છતાં ત્યાં સામાન્ય બેઠકો જાહેર કરવામાં આવી હોવાના આક્ષેપો થયા છે.

રોટેશન જાહેર થાય તે પહેલાં બોરસદ તાલુકાનાં 12થી વધુ ગામોના ગ્રામજનોએ બેઠકોના પ્રકારમાં ફેરફાર કરવા માટે રજૂઆતો કરી હતી. જોકે, અંતિમ રોટેશન જાહેર થયા બાદ પણ વિસંગતતા યથાવત્ હોવાનો દાવો થતાં ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

હવે આ સમગ્ર મામલે અનામત બેઠકોની ફાળવણી સામે ઉઠેલા સવાલો અને ગ્રામજનોની રજૂઆતોને તંત્ર કેટલું ગંભીરતાથી લે છે તે જોવું રહ્યું. આગામી સમયમાં રોટેશનમાં સુધારો કરવાની માંગ વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.