રાધે બંગલો અને ગુરુવંદન સોસાયટી પાસે ખુલ્લા પ્લોટમાં કચરાનું સામ્રાજ્ય, રોગચાળો ફેલાવાની ભીતિથી સ્થાનિકોમાં ચિંતા
આણંદ શહેરમાં સ્વચ્છતાના દાવાઓ વચ્ચે વઘાસી રોડ પર ગંદકીની ગંભીર સમસ્યા સામે આવી છે. રાધે બંગલોની સામે અને ગુરુવંદન સોસાયટીની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં કચરાના મોટા ઢગલા જામી રહ્યા છે. જેના કારણે આસપાસની સોસાયટીઓમાં રહેતા નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ખુલ્લા પ્લોટમાં લાંબા સમયથી ઘરનો કચરો, એઠવાડ અને અન્ય ગંદકી ઠાલવવામાં આવી રહી છે. કચરો એકઠો થતો રહે છે, પરંતુ સમયસર સફાઈ કરવામાં આવતી ન હોવાના કારણે કચરાના ઢગલા સતત વધી રહ્યા છે.
કચરો સડવાના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. પરિસ્થિતિ એવી છે કે ઘરના બારી-બારણાં બંધ રાખવા છતાં દુર્ગંધથી રાહત મળતી નથી. બીજી તરફ મચ્છર અને માખીઓના વધતા ઉપદ્રવને કારણે સ્થાનિક રહીશોની મુશ્કેલીમાં વધારો થયો છે.
ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્યને લઈને પરિવારોમાં ચિંતા જોવા મળી રહી છે. ગંદકીના કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવાની ભીતિ પણ સ્થાનિકોને સતાવી રહી છે.
રાધે બંગલો, ગુરુવંદન સોસાયટી સહિત આસપાસના રહીશોએ સંબંધિત તંત્ર સમક્ષ આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી છે. ખુલ્લા પ્લોટમાં જમા થયેલા કચરાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે, નિયમિત સફાઈની વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને જાહેરમાં કચરો ફેંકતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
હવે જોવાનું એ રહેશે કે સ્થાનિકોની આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર ક્યારે સફાઈની કામગીરી હાથ ધરે છે અને રહીશોને ગંદકી તથા દુર્ગંધની સમસ્યામાંથી ક્યારે મુક્તિ મળે છે?