આણંદ જિલ્લાના બાકરોલ સ્થિત પાર્થ ટાઉનશીપમાં રસ્તાના વિવાદને લઈને ગંભીર મામલો સામે આવ્યો છે. રસ્તાના ઉપયોગ બાબતે ચાલી રહેલા વિવાદમાં એક બિલ્ડર પાસે ₹1 કરોડની ખંડણી માંગવામાં આવી હોવાનો અને ખંડણી નહીં આપે તો પેટમાં છરો મારી આંતરડા બહાર કાઢી નાખવાની ધમકી આપ્યાનો આરોપ લાગ્યો છે. આ મામલે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં છ શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, તારાપુર તાલુકાના ચીતલીયા ગામના મૂળ વતની અને હાલ પાર્થ ટાઉનશીપમાં રહેતા તરૂણભાઈ ભરવાડે ટાઉનશીપ નજીક જમીન ખરીદી હતી. આ જમીન પર તેમણે 'નંદનબાગ વિલા' નામથી 21 મકાનોનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટમાં અવરજવર માટેનો રસ્તો પાર્થ ટાઉનશીપમાંથી પસાર થતો હોવાથી સોસાયટીના કેટલાક હોદ્દેદારો સાથે તેમનો કાનૂની વિવાદ ચાલી રહ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ ઉપરાંત તરૂણભાઈના મોટાભાઈ ભાનુભાઈ દ્વારા સોસાયટીના હોદ્દેદારો વિરુદ્ધ નાણાકીય ગેરરીતિ અંગે રજિસ્ટ્રાર સમક્ષ ફરિયાદ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.
રસ્તાના વિવાદમાં એક કરોડની ખંડણી માંગ્યાનો આરોપ
ફરિયાદ મુજબ, ગત 20મી તારીખે સાંજે આશરે 6:30 વાગ્યે તરૂણભાઈ પાર્થ ટાઉનશીપમાં ચાલતા જતા હતા. તે દરમિયાન કૃષ્ણકુટ્ટી નાયર અને પૂર્વેશ પટેલ તેમની પાસે આવ્યા હતા. બંનેએ નંદનબાગ વિલા પ્રોજેક્ટ બંધ કરી દેવા તેમજ રજિસ્ટ્રાર સમક્ષ કરવામાં આવેલી ફરિયાદ પાછી ખેંચી લેવા જણાવ્યું હતું. આ દરમિયાન અપશબ્દો બોલીને ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
ત્યારબાદ યજ્ઞેશ ભટ્ટ, ઉર્વેશ પટેલ, રાજેન્દ્ર નાયર અને જયેન્દ્ર નાયર પણ ત્યાં આવી પહોંચ્યા હતા. તમામ શખસોએ ફરિયાદ પાછી ખેંચવા અંગેના લખાણ પર સહી કરી આપવા દબાણ કર્યું હતું. સાથે જ જો બિલ્ડરે પોતાનો પ્રોજેક્ટ પૂર્ણ કરવો હોય તો ₹1 કરોડ આપવા પડશે તેવી માંગણી કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
છરો બતાવી આંતરડા બહાર કાઢી નાખવાની ધમકી
આ દરમિયાન બોલાચાલી ઉગ્ર બનતાં યજ્ઞેશ ભટ્ટે પોતાની પાસે રહેલો છરો કાઢ્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. જો એક કરોડ રૂપિયા નહીં આપવામાં આવે તો છરો પેટમાં મારી આંતરડા બહાર કાઢી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું જણાવાયું છે.
આટલું જ નહીં, બિલ્ડરના પ્રોજેક્ટમાં આવવા-જવાનો કોઈ રસ્તો નથી અને કોઈએ ત્યાં મકાન ખરીદવું નહીં તેવા લખાણને સોશિયલ મીડિયા પર વાઇરલ કરવાની પણ ધમકી આપવામાં આવી હોવાનો આરોપ છે.
છ શખસો સામે પોલીસ ફરિયાદ
સમગ્ર ઘટનાને પગલે તરૂણભાઈ ભરવાડે વિદ્યાનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને કૃષ્ણકુટ્ટી નાયર, પૂર્વેશ પટેલ, યજ્ઞેશ ભટ્ટ, ઉર્વેશ પટેલ, રાજેન્દ્ર નાયર અને જયેન્દ્ર નાયર સહિત છ શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રસ્તાના વિવાદમાંથી ઊભા થયેલા આ ગંભીર મામલાને લઈને હવે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે તેના પર સૌની નજર છે.