આણંદ શહેરના મંગળપુરા રોડ પર આવેલા બી-૫, પરમદ્રષ્ટી બંગ્લોઝ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ આણંદ ટાઉન પોલીસ દ્વારા ઉકેલી લેવામાં આવ્યો છે. પોલીસે ચોરીમાં ગયેલા સોના-ચાંદીના તમામ દાગીનાઓ સાથે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ગત તા. ૪ મે ૨૦૨૬ના સાંજે અંદાજે ૫:૩૦ વાગ્યાથી તા. ૫ મે ૨૦૨૬ના સવારે અંદાજે ૧૧ વાગ્યા દરમિયાન અજાણ્યા ચોરોએ ફરિયાદીના મકાનનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તિજોરીમાંથી આશરે સાડા ત્રણ તોલા જેટલા સોનાના દાગીના તથા એક કિલો જેટલા ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીમાં કુલ અંદાજે રૂ. ૫.૫૦ લાખની મત્તા ચોરાઈ હોવાનું સામે આવ્યું હતું.
બનાવ અંગે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા જિલ્લા પોલીસ અધિક્ષક જી.જી. જસાણીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલની દેખરેખમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી. ઝાલા અને સર્વેલન્સ પીએસઆઈ એસ.બી. ઝાલાની ટીમ દ્વારા જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ હતી.
તપાસ દરમિયાન પોલીસ દ્વારા ઘટનાસ્થળ આસપાસના CCTV ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. સાથે જ હ્યુમન સોર્સની મદદથી આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી. પોલીસે વિપુલભાઈ નટુભાઈ તળપદા રહે. લક્ષ્મીપાર્ક, આણંદને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે ચોરીમાં ગયેલી એક સોનાની ચેઇન અને લેડીઝ વીંટી તેણે પોતાના મિત્ર રણજીતસિંહ અમરસંગ સોલંકીને વેચવા માટે આપી હતી. જેના આધારે પોલીસે રણજીતસિંહ સોલંકી રહે. આદરુજ, તા. તારાપુરને પણ ઝડપી પાડ્યો હતો.
પકડાયેલા આરોપીઓ પાસેથી એક મોટી સોનાની ચેઇન, સોનાની વીંટીઓ, બુટ્ટીઓ, ઓમ વાળી વીંટી સહિતના સોનાના દાગીના તેમજ ચાંદીની લગડીઓ, પાયલ, બંગડીઓ, સિક્કા, પગના કડા અને અન્ય ચાંદીના દાગીનાઓ મળી કુલ ચોરીનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી. ઝાલા, સર્વેલન્સ પીએસઆઈ એસ.બી. ઝાલા, હેડ કોન્સ્ટેબલ દક્ષેશકુમાર, પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ, તીર્થરાજસિંહ, રૂદ્રપાલસિંહ, ઈન્દ્રજીતસિંહ, જગદીશભાઈ, મુકસુદવારિશ તેમજ સ્નેહાબેન સહિતની સર્વેલન્સ ટીમે મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી.