Advertisement

આણંદમાં વસ્તીગણતરીની તૈયારીઓ તેજ: ગણતરીદારો અને સુપરવાઇઝરો માટે ત્રણ દિવસીય તાલીમ વર્કશોપનું આયોજન.

આણંદમાં વસ્તીગણતરીની તૈયારીઓ તેજ: ગણતરીદારો અને સુપરવાઇઝરો માટે ત્રણ દિવસીય તાલીમ વર્કશોપનું આયોજન.

આણંદ: ભારત સરકાર દ્વારા આયોજિત ‘વસ્તીગણતરી-૨૦૨૭’ ના પ્રથમ તબક્કા (મકાન યાદી અને ઘરગણતરી) ની કામગીરી આગામી જૂન માસમાં શરૂ થનાર છે. આ સંદર્ભે આણંદ જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વસ્તીગણતરી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં તાલીમનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. તા. ૧૧/૦૫/૨૦૨૬ થી જિલ્લાના તમામ તાલુકા મથકો અને નગરપાલિકાઓ ખાતે આ તાલીમ વર્ગો યોજાઈ રહ્યા છે.

  

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નક્કી કરાયેલ તાલીમ કાર્યક્રમ મુજબ આણંદ જિલ્લાના આઠેય તાલુકાઓ જેમાં આણંદ, આંકલાવ, બોરસદ, ખંભાત, પેટલાદ, સોજિત્રા, તારાપુર અને ઉમરેઠ સહિતની નગરપાલિકાઓમાં નિયુક્ત નોડલ અધિકારીઓ અને ચાર્જ અધિકારીઓની દેખરેખ હેઠળ તાલીમ અપાઈ રહી છે. આ કામગીરી માટે જિલ્લાના કુલ ૫૮ કુશળ ફિલ્ડ ટ્રેનર્સ દ્વારા જિલ્લાના ૩૧૮૪ ગણતરીદારો અને ૪૮૮ સુપરવાઇઝરોને ડિજિટલ ગણતરી અને એપ્લિકેશનના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામા આવી રહ્યું છે.

 

તાલીમના પ્રથમ દિવસે આણંદ (ગ્રામ્ય) વિસ્તારમાં ૦૮ ફિલ્ડ ટ્રેનર અને ૦૮ સહાયક ફિલ્ડ ટ્રેનરની નિગરાની હેઠળ ૭ વર્ગો કાર્યરત કરવામાં આવ્યા હતા. જેમાં ૩૧૪ કર્મચારીઓ હાજર રહ્યા હતા. હાજર રહેલા તમામ ૨૫૮ ગણતરીદારો અને ૫૬ સુપરવાઇઝરોએ ટેકનિકલ પાસાઓની સમજ મેળવી હતી.

 

 જિલ્લામાં યોજાઈ રહેલ ત્રણ દિવસની આ તાલીમ દરમિયાન એક વિશેષ પહેલ રૂપે, તમામ ગણતરીદારો અને સુપરવાઇઝરો દ્વારા 'સેવા ભાવ પ્રતિજ્ઞા’ લેવામાં આવી હતી. આ પ્રતિજ્ઞા દ્વારા કર્મચારીઓએ રાષ્ટ્રના ભવિષ્યના ઘડતરમાં પાયારૂપ એવી આ વસ્તીગણતરીની કામગીરીને પૂરી પારદર્શિતા, ચોકસાઈ અને સેવાકીય ભાવનાથી પૂર્ણ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

 

આ સમગ્ર તાલીમ પ્રક્રિયાનું નિરીક્ષણ જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તા. ૦૧/૦૬/૨૦૨૬ થી શરૂ થનાર આ ગણતરીમાં દરેક ઘરની સચોટ વિગતો એકત્રિત થાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓની પૂર્ણતા સુનિશ્ચિત કરી લેવામાં આવી છે. નાગરિકોને પણ આ રાષ્ટ્રીય કાર્યમાં ગણતરીદારોને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.

Advertisement