આણંદ મનપામાં હડતાળનો મામલો ફરી ગરમાયો: વર્ગ-3 અને 4ના કર્મચારીઓને નોટિસ ફટકારતાં ખળભળાટ, આંતરિક બદલીઓથી પણ અસંતોષ

આણંદ મનપામાં હડતાળનો મામલો ફરી ગરમાયો: વર્ગ-3 અને 4ના કર્મચારીઓને નોટિસ ફટકારતાં ખળભળાટ, આંતરિક બદલીઓથી પણ અસંતોષ

આણંદ મહાનગરપાલિકામાં વહીવટી તંત્ર અને કર્મચારીઓ વચ્ચે ચાલી રહેલો આંતરિક અસંતોષ ફરી ચર્ચામાં આવ્યો છે. થોડા સમય પહેલાં અધિકારીઓ અને કર્મચારીઓએ અચાનક હડતાળ પાડતાં મનપાનું કામકાજ પ્રભાવિત થયું હતું. હવે આ હડતાળ પાછળ કોણ જવાબદાર હતું અને કોના ઇશારે કર્મચારીઓએ આ પગલું ભર્યું હતું તે જાણવા માટે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓને સત્તાવાર નોટિસ પાઠવીને પૂછપરછ કરવામાં આવતાં કર્મચારી વર્તુળોમાં ચર્ચા અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

5 ઓગસ્ટની હડતાળનો વિવાદ ફરી સપાટી પર

મળતી માહિતી મુજબ, ગત મે મહિનામાં મનપાના એક અધિકારીની કામ કરવાની પદ્ધતિ અને વહીવટી નીતિ-રીતિ સામે કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓમાં નારાજગી ઊભી થઈ હતી. આ અસંતોષના પગલે 5 ઓગસ્ટના રોજ મનપાના અધિકારીઓ અને કર્મચારીઓ અચાનક હડતાળ પર ઉતરી આવ્યા હતા.

હડતાળને કારણે મનપાના વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. અંતે ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા આપવામાં આવેલા આશ્વાસન બાદ હડતાળ સમેટવામાં આવી હતી. જોકે, હડતાળ સમેટાઈ ગયા બાદ પણ આ વિવાદનો અંત આવ્યો ન હોવાનું હવે સામે આવી રહ્યું છે.

હડતાળ પાછળ કોનો હાથ હતો? તંત્રની તપાસ શરૂ

હવે મનપા તંત્ર દ્વારા હડતાળ પાછળની ભૂમિકા અને જવાબદારો અંગે વિગતો મેળવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. આ માટે વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓને નોટિસો પાઠવીને પૂછપરછ કરવામાં આવી રહી છે.

અચાનક શરૂ થયેલી આ તપાસને પગલે મનપાના કર્મચારી વર્તુળોમાં અનેક સવાલો ઊભા થયા છે. હડતાળ દરમિયાન કોની ભૂમિકા શું હતી અને આંદોલન પાછળ કોઈનું માર્ગદર્શન કે દબાણ હતું કે કેમ તે જાણવા તંત્ર પ્રયાસ કરી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આંતરિક બદલીઓને લઈને પણ કર્મચારીઓમાં નારાજગી

હડતાળ સમેટાઈ ગયા બાદ પણ મનપાની અંદરનો અસંતોષ શાંત થયો નથી. હડતાળના આશરે બે મહિના બાદ કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી હતી. આ બદલીઓને લઈને કર્મચારી વર્તુળોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

કેટલાક કર્મચારીઓમાં એવી ચર્ચા છે કે હડતાળના વિવાદ બાદ કરવામાં આવેલી આંતરિક બદલીઓ બદલો લેવાના ભાગરૂપે કરવામાં આવી હોઈ શકે છે. જોકે, આ અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ થઈ નથી.

હાલમાં નોટિસ અને પૂછપરછની કાર્યવાહી શરૂ થતાં આણંદ મનપામાં ફરીથી આંતરિક ચર્ચાઓ તેજ બની છે. હવે તપાસ દરમિયાન શું વિગતો સામે આવે છે અને હડતાળના વિવાદમાં આગળ તંત્ર કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર છે.