આણંદ: જિલ્લાના હાડગુડ ગામમાં રાજ્ય સરકારની 'સ્વજલ ધારા' યોજના હેઠળ નિર્માણ પામી રહેલી પાણીની ટાંકીઓમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની વિગતો સામે આવતા ચકચાર મચી ગઈ છે. સરકારના વાસ્મો (WASMO) વિભાગ દ્વારા અંદાજે 98 લાખ રૂપિયાના તોતિંગ ખર્ચે ગામના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી આ ટાંકીઓનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. જોકે, નિર્માણ કાર્ય દરમિયાન ગુણવત્તાના ધજાગરા ઉડતા હવે નવી જ બનેલી ટાંકીઓને તોડી પાડવાની ફરજ પડી છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પાણીની ટાંકીઓના નિર્માણમાં અત્યંત હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ટાંકીઓ હજુ તો પૂરી રીતે કાર્યરત થાય તે પહેલા જ તેમાં લોલમલોલ ચાલતું હોવાનું ઉજાગર થતા તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. હલકી ગુણવત્તાના કારણે ટાંકીઓ જોખમી સાબિત થઈ શકે તેમ હોવાથી, આજે જેસીબી અને બ્રેકર મશીન દ્વારા આ નવી નિર્માણ પામેલી ટાંકીઓને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
સરકારી નાણાંનો વેડફાટ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે હાડગુડ ગામમાં આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે 98 લાખની યોજના પર જે રીતે બ્રેકર ફેરવવામાં આવ્યું છે, તેને લઈને હવે જવાબદાર અધિકારીઓ અને એજન્સી સામે કેવા પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.