Advertisement

આભને આંબ્યા પછી જમીન પર પટકાયા ભાવ: માત્ર 8 દિવસમાં ચાંદી અડધી કિંમતે આવી, જાણો બજારમાં કડાકાના 3 મુખ્ય કારણો

આભને આંબ્યા પછી જમીન પર પટકાયા ભાવ: માત્ર 8 દિવસમાં ચાંદી અડધી કિંમતે આવી, જાણો બજારમાં કડાકાના 3 મુખ્ય કારણો

સોના-ચાંદી અને કોપર (તાંબા)ના ભાવમાં અત્યારે જે રીતે મોટા પાયે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે, તેણે રોકાણકારો અને સામાન્ય જનતાને મૂંઝવણમાં મૂકી દીધા છે. વર્ષ 2025માં સોનાએ 70 ટકા, ચાંદીમાં 170 ટકા અને કોપરમાં 50 ટકાથી વધુ વળતર મળ્યા બાદ, વર્ષ 2026ની શરૂઆતમાં પણ તેજી જોવા મળી રહી હતી. જોકે, ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થતા જ બજારમાં મોટું ગાબડું પડ્યું છે. જે ચાંદીને 2 લાખથી 4 લાખ સુધી પહોંચતા માંડ દોઢ મહિનો લાગ્યો હતો, તેમાં માત્ર ગણતરીના દિવસોમાં ઘટાડો થયો છે.


8 દિવસમાં સોના-ચાંદીની કિંમતમાં મોટી ઉથલપાથલ


29 જાન્યુઆરી, 2026ના રોજ સોનું પ્રતિ ગ્રામ 1.93 લાખ રૂપિયા અને ચાંદી કિલો દીઠ 4.20 લાખ રૂપિયાની ઐતિહાસિક ટોચે હતા. પરંતુ તે જ રાતથી કિંમતો ઘટવાની શરૂઆત થઈ અને માત્ર 8 દિવસમાં બધું જ બદલાઈ ગયું. અત્યારે સોનું 23 ટકા અને ચાંદી તેના ઉચ્ચ સ્તરથી લગભગ 46 ટકા જેટલી એટલે કે અડધી કિંમતની આસપાસ નીચે આવી ગઈ છે. હાલમાં સોનું 1.55 લાખ અને ચાંદી 2.49 લાખ આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે, જે રોકાણકારો માટે ચિંતાનો વિષય બન્યો છે.


સોના-ચાંદીના ભાવમાં કેમ આવી રહ્યો છે આટલો મોટો ઘટાડો?


બજારના નિષ્ણાતો માને છે કે આ કડાકા પાછળ મુખ્યત્વે ત્રણ કારણો જવાબદાર છે: પહેલું, રોકાણકારો દ્વારા મોટા પાયે કરવામાં આવેલી પ્રોફિટ બુકિંગ(નફો વસૂલવાની પ્રક્રિયા). બીજું, અમેરિકન ડોલરનું મજબૂત થવું અને ફેડરલ રિઝર્વ બેન્કના નવા ચીફની નિમણૂક. ત્રીજું મહત્ત્વનું કારણ એ છે કે MCX દ્વારા કિંમતી ધાતુઓના કોન્ટ્રાક્ટ પર માર્જિન રકમ વધારી દેવામાં આવી છે. ડોલર મજબૂત થવાને કારણે અન્ય દેશો માટે આ ધાતુઓની ખરીદી મોંઘી બની છે, જેને લીધે માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

રોકાણકારોએ હવે શું કરવું જોઈએ? 


નિષ્ણાતો અને જેપી મોર્ગન જેવા ઇન્વેસ્ટમેન્ટ બેન્કરોનું માનવું છે કે ચાંદીના ઊંચા મૂલ્યાંકનને કારણે ટૂંકા ગાળામાં હજુ પણ અસ્થિરતા રહી શકે છે, જોકે લાંબા ગાળે તેની માંગ મજબૂત છે. રોકાણકારોને સલાહ આપવામાં આવી છે કે અત્યારે એકસાથે મોટું રોકાણ કરવાને બદલે કટકે-કટકે રોકાણ(SIP પદ્ધતિથી) કરવું જોઈએ. પૃથ્વી ફિનમાર્ટના મનોજ કુમાર જૈન સલાહ આપે છે કે જ્યાં સુધી બજારમાં સ્થિરતા ન આવે ત્યાં સુધી ઉતાવળે ખરીદી કરવાથી બચવું જોઈએ અને બજારના પ્રવાહને શાંતિથી નિહાળવો જોઈએ.

Advertisement