Advertisement

અંબાલાલ પટેલની ડરામણી આગાહી: ગુજરાતમાં ગરમી તોડશે તમામ રેકોર્ડ, 45 ડિગ્રીએ પહોંચશે પારો અને પછી આવશે વાવાઝોડાનું જોખમ

અંબાલાલ પટેલની ડરામણી આગાહી: ગુજરાતમાં ગરમી તોડશે તમામ રેકોર્ડ, 45 ડિગ્રીએ પહોંચશે પારો અને પછી આવશે વાવાઝોડાનું જોખમ

અમદાવાદ: ગુજરાતમાં ઉનાળો હવે તેના રૌદ્ર સ્વરૂપમાં આવી રહ્યો છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને અત્યંત ચિંતાજનક આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં ગુજરાતમાં સૂર્યદેવ આકરા પાણીએ જોવા મળશે અને ગરમીના અગાઉના તમામ રેકોર્ડ તૂટી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે. ખાસ કરીને 9 મે બાદ રાજ્યમાં ગરમીનું જોર આક્રમક રીતે વધવાની શક્યતા છે, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા પણ નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.


આગાહીની વિગતો અનુસાર, 9 મે થી ગુજરાતના વાતાવરણમાં તોતિંગ ફેરફાર આવશે અને તાપમાનનો પારો ઊંચકાશે. મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેવા કે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં તાપમાન 44 થી 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ ગાળા દરમિયાન અંગ દઝાડતી ગરમી સાથે આકરી લૂ (Heatwave) ફૂંકાવાની પણ શક્યતા છે, જેના કારણે બપોરના સમયે સામાન્ય જનજીવન પ્રભાવિત થશે. જોકે, ગરમીના આ કહેર વચ્ચે રાહતના સમાચાર એ છે કે 15 મે બાદ રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થશે, જેના કારણે પવનની દિશા બદલાશે અને કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.


ઉનાળાની આ આકરી ગરમી બાદ મે મહિનાના અંતમાં અથવા જૂન મહિનાની શરૂઆતમાં કુદરતી આફતના સંકેત પણ અંબાલાલ પટેલે આપ્યા છે. તેમના જણાવ્યા મુજબ, બંગાળની ખાડી અને અરબ સાગરમાં દરિયાઈ હલચલ વધવાને કારણે વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ શકે છે. આ દરિયાઈ ગતિવિધિઓને પરિણામે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થશે અને હવામાનમાં મોટા પલટા જોવા મળશે. હાલની ગંભીર સ્થિતિને જોતા રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને મહત્તમ પાણી પી હાઈડ્રેટેડ રહેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.

Advertisement