વડોદરા: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ચાલતી કાર બની અગ્નિરથ, ચાલકનું અંદર જ જીવતા ભુંજાઈ જતાં કરુણ મોત

વડોદરા: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ચાલતી કાર બની અગ્નિરથ, ચાલકનું અંદર જ જીવતા ભુંજાઈ જતાં કરુણ મોત

વડોદરા: વડોદરા જિલ્લાના પાદરા પાસેથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આજે એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પાદરાથી કરજણ તરફ જઈ રહેલી એક કારમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતા ચાલકને બહાર નીકળવાની તક સુધ્ધાં મળી નહોતી. જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું કે કાર ચાલક અંદર જ ફસાઈ ગયો હતો અને જીવતા ભુંજાઈ જવાને કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પ્રાથમિક અનુમાન મુજબ, ચાલુ કારના ટાયરમાં ઓવર હીટિંગ થવાને કારણે આ શોર્ટ સર્કિટ કે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે.


ઘટનાની વિગતવાર માહિતી મુજબ, એક્સપ્રેસ વે પર કારમાં આગ લાગતા જ આસપાસથી પસાર થતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે કાર જોતજોતામાં લોખંડના માળખામાં ફેરવાઈ ગઈ હતી. બનાવની જાણ થતા જ વડોદરા ફાયર વિભાગના વાસણા ફાયર સ્ટેશનની ટીમ અને પાદરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ચાલકનું મોત થઈ ચૂક્યું હતું. આગ ઓલવ્યા બાદ અત્યંત જહેમતપૂર્વક મૃતદેહને કારના પતરા કાપીને બહાર કાઢવામાં આવ્યો હતો.


હાલમાં પાદરા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક વ્યક્તિની ઓળખ હજુ સુધી થઈ શકી નથી, તેથી પોલીસ દ્વારા કારના રજીસ્ટ્રેશન નંબર અને અન્ય દસ્તાવેજોના આધારે તપાસ તેજ કરવામાં આવી છે. એક્સપ્રેસ વે પર બનેલી આ ઘટનાએ વાહનચાલકોની સુરક્ષા અને ઉનાળામાં વાહનોની જાળવણી અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે.