Advertisement

યુવાનોના અસંતોષને મતપેટી સુધી લઈ જવાની તક: કોકરોચ જનતા પાર્ટી મુદ્દે શશી થરૂરનું મોટું નિવેદન

યુવાનોના અસંતોષને મતપેટી સુધી લઈ જવાની તક: કોકરોચ જનતા પાર્ટી મુદ્દે શશી થરૂરનું મોટું નિવેદન



દેશની રાજનીતિમાં સોશિયલ મીડિયા હવે માત્ર મનોરંજન કે મજાકનું માધ્યમ નથી રહ્યું, પરંતુ યુવાનોના અવાજ અને અસંતોષનું શક્તિશાળી પ્લેટફોર્મ બની ગયું છે. ‘કોકરોચ જનતા પાર્ટી (CJP)’ નામથી સોશિયલ મીડિયા પર શરૂ થયેલું આ અભિયાન હવે રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું છે. ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર આ પ્લેટફોર્મના ફોલોઅર્સની સંખ્યા ભાજપ અને કોંગ્રેસ જેવી દેશની બે મોટી નેશનલ પાર્ટીઓ કરતાં પણ વધારે હોવાનું ચર્ચાઈ રહ્યું છે.


આ સમગ્ર મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરુરએ એક ઈન્ટરવ્યૂમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર ચાલતું આ આંદોલન યુવાનોની હતાશા અને ગુસ્સાને વ્યક્ત કરવાનો એક મહત્વપૂર્ણ માર્ગ બની ગયું છે. ખાસ કરીને NEET પરીક્ષાના પેપરલીક બાદ લાખો વિદ્યાર્થીઓમાં ભારે નિરાશા જોવા મળી હતી. વર્ષો સુધી મહેનત કરનાર વિદ્યાર્થીઓને જ્યારે અન્યાયનો સામનો કરવો પડ્યો, ત્યારે તેઓ સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા. થરૂરે કહ્યું કે આવા સમયમાં CJPનું X હેન્ડલ બંધ કરવું એ સરકારની ગંભીર અને ઘાતક ભૂલ સાબિત થઈ શકે છે.


થરૂરે વધુમાં જણાવ્યું કે દેશની નવી પેઢી હવે પરંપરાગત રાજકારણથી આગળ વધીને નવા વિકલ્પોની શોધમાં છે. તેમણે તમિલનાડુમાં અભિનેતા વિજયની નવી રાજકીય પાર્ટીને મળતા યુવાનોના સમર્થનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ ‘Gen Z’ની રાજકીય જાગૃતિનું ઉદાહરણ છે. ૩૦ વર્ષથી ઓછી ઉંમરના યુવાનો હવે પોતાની સમસ્યાઓને લઈને વધુ અવાજ ઉઠાવી રહ્યા છે અને બદલાવની અપેક્ષા રાખી રહ્યા છે.


કોંગ્રેસ નેતાએ સ્વીકાર્યું કે યુવાનો માત્ર સત્તાધારી પક્ષથી જ નહીં, પરંતુ સમગ્ર રાજકીય વ્યવસ્થાથી નારાજ જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું કે જો આ અસંતોષ માત્ર સોશિયલ મીડિયા સુધી જ સીમિત રહેશે, તો કોઈ વાસ્તવિક પરિવર્તન શક્ય નહીં બને. વિપક્ષ સામે હાલ સૌથી મોટો પડકાર એ છે કે યુવાનોના આ ગુસ્સા અને અસંતોષને ચૂંટણીલક્ષી પરિવર્તનમાં ફેરવવામાં આવે અને મતપેટી સુધી પહોંચાડવામાં આવે. થરૂરના મતે હવે વિપક્ષે એવો સંદેશ આપવાની જરૂર છે, જે યુવાનોને પોતાની તરફ આકર્ષી શકે અને તેમની સમસ્યાઓના ઉકેલ માટે વિશ્વાસ ઉભો કરી શકે.

Advertisement