Advertisement

યુદ્ધના તણાવ વચ્ચે સોનું-ચાંદી તૂટ્યું: ચાંદી ₹2800 સસ્તી, સોનામાં ₹1300 નો ઘટાડો

યુદ્ધના તણાવ વચ્ચે સોનું-ચાંદી તૂટ્યું: ચાંદી ₹2800 સસ્તી, સોનામાં ₹1300 નો ઘટાડો

વિશ્વમાં સામાન્ય રીતે જ્યારે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે સોનું અને ચાંદી જેવા કિંમતી ધાતુઓના ભાવમાં ઉછાળો જોવા મળે છે, કારણ કે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે તેમાં પૈસા મૂકે છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં તેના વિપરીત દૃશ્ય જોવા મળી રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ હોવા છતાં ભારતીય વાયદા બજાર (MCX) ખુલતા જ સોનું અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે રોકાણકારોમાં આશ્ચર્ય જોવા મળી રહ્યું છે.


સોમવારે માર્કેટ ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. ગત સપ્તાહે ચાંદી ₹2,32,495 પ્રતિ કિલો પર બંધ થઈ હતી, જ્યારે આજે ઘટીને ₹2,29,651 પ્રતિ કિલો પર ખૂલી હતી. આ રીતે એક જ દિવસમાં ચાંદીના ભાવમાં ₹2,844 પ્રતિ કિલોનો ઘટાડો નોંધાયો છે. મહત્વની વાત એ છે કે ચાંદી તેના ઓલ-ટાઇમ હાઈ લેવલથી હવે લગભગ ₹2.09 લાખ જેટલી સસ્તી મળી રહી છે, જે બજારમાં મોટી હલચલ માનવામાં આવે છે.


સોનાના ભાવમાં પણ ગાબડું જોવા મળ્યું છે. ગત સપ્તાહે 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,49,680 પર બંધ થયો હતો, જ્યારે આજે તે ઘટીને ₹1,48,298 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. એટલે કે સોનાના ભાવમાં લગભગ ₹1,382 જેટલો ઘટાડો થયો છે. સોનું પણ તેના ઉચ્ચતમ સ્તરથી હાલ લગભગ ₹54,686 જેટલું સસ્તું થયું છે.


વિશ્વમાં વધતા તણાવ અને અમેરિકાની તરફથી ઈરાનને આપવામાં આવેલી ધમકીઓ છતાં કિંમતી ધાતુઓના ભાવ ઘટવાના કેટલાક મહત્વના કારણો માનવામાં આવી રહ્યા છે. વૈશ્વિક બજારમાં અમેરિકી ડોલર મજબૂત બનતા સોનાના ભાવ પર દબાણ વધ્યું છે. સાથે જ અનિશ્ચિતતાના માહોલમાં ઘણા રોકાણકારો સોનામાં રોકાણ કરવાને બદલે હાથમાં રોકડ રાખવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ઉપરાંત કાચા તેલના ભાવ $110 ને પાર જતા વૈશ્વિક મોંઘવારીનો ભય વધ્યો છે, જેના કારણે પણ કિંમતી ધાતુઓના ભાવ દબાણ હેઠળ આવ્યા છે.


સમાચાર લખાય ત્યાં સુધી સોમવારે સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ MCX પર સોનાનો વાયદો લગભગ ₹1,49,400 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ચાંદીનો વાયદો ₹2,31,935 ના સ્તર પર જોવા મળ્યો હતો. બજારમાં અત્યારે પણ વેચવાલીનું દબાણ ચાલુ હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.

Advertisement