WhatsApp Webનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન! એક ભૂલથી આખું અકાઉન્ટ સાયબર ઠગોના હાથમાં જઈ શકે છે

WhatsApp Webનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન! એક ભૂલથી આખું અકાઉન્ટ સાયબર ઠગોના હાથમાં જઈ શકે છે

કમ્પ્યુટર પર WhatsApp Webનો ઉપયોગ કર્યા પછી માત્ર બ્રાઉઝર બંધ કરી દેવાની તમારી આદત તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. કારણ કે, WhatsApp Webનું એક્ટિવ લૉગિન સેશન સાયબર ગુનેગારો માટે તમારા અકાઉન્ટ સુધી પહોંચવાનો રસ્તો બની શકે છે.


આ જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરે લોકોને સાવચેત રહેવા એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં ખાસ કરીને ઓફિસ, સરકારી અને નાણાકીય કામ માટે WhatsApp Webનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.


એડવાઇઝરી મુજબ, જો કોઈ વ્યક્તિ તમારા એક્ટિવ લૉગિન સેશનનો દુરુપયોગ કરે તો તે તમારી ખાનગી ચેટ્સ વાંચી શકે છે, તમારા નામે અધિકારીઓ અને સહકર્મીઓને મેસેજ મોકલી શકે છે તેમજ તમારા ગ્રુપ અને કોન્ટેક્ટ્સ સુધી પણ પહોંચી શકે છે. એટલું જ નહીં, તમારા વિશ્વસનીય અકાઉન્ટનો ઉપયોગ કરીને અન્ય લોકોને નકલી લિંક મોકલી ફિશિંગ અને નાણાકીય છેતરપિંડી પણ કરી શકે છે.


માની લો કે તમે ઓફિસના કમ્પ્યુટર પર WhatsApp Web ખોલ્યું અને કામ પૂરું થયા પછી લૉગઆઉટ કર્યા વિના માત્ર બ્રાઉઝર બંધ કરી દીધું. તો કમ્પ્યુટરનો ઉપયોગ કરનાર અન્ય વ્યક્તિ તમારા એક્ટિવ સેશનનો લાભ લઈ શકે છે. આ ઉપરાંત, કમ્પ્યુટરમાં માલવેર હોય તો પણ તમારું અકાઉન્ટ જોખમમાં મુકાઈ શકે છે.


આવી સ્થિતિ ટાળવા માટે સાયબર સુરક્ષા એજન્સીએ કેટલીક મહત્ત્વપૂર્ણ સાવચેતી રાખવાની સલાહ આપી છે. જેમાં WhatsApp Webનો ઉપયોગ કર્યા પછી મેન્યુઅલી લૉગઆઉટ કરવું, જાહેર કમ્પ્યુટર કે સાયબર કૅફેમાં લૉગિન કરવાનું ટાળવું અને શક્ય હોય ત્યાં સુધી Incognito અથવા Private વિન્ડોનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે.


સાથે જ સંવેદનશીલ સરકારી, ઓફિસ કે નાણાકીય માહિતી WhatsApp Web પર શેર ન કરવી અને કમ્પ્યુટર તથા બ્રાઉઝરનું સુરક્ષા સોફ્ટવેર અપડેટ રાખવું પણ જરૂરી છે.


એટલે હવે પછી કમ્પ્યુટર પર WhatsApp Webનો ઉપયોગ કરો ત્યારે એક વાત ખાસ યાદ રાખજો: કામ પૂરું એટલે માત્ર બ્રાઉઝર બંધ નહીં, પરંતુ અકાઉન્ટમાંથી લૉગઆઉટ પણ જરૂર કરજો.