ખેડા જિલ્લાના વસો પોલીસ મથકની હદમાં આવતા દાવડા ગામની સીમમાં ગત રાત્રિએ માર્ગ અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે 48 પરથી પસાર થઈ રહેલા બે યુવાનોને અજાણ્યા વાહને ટક્કર મારતા બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
મૃતકોની ઓળખ નડિયાદની ઇન્દિરાનગરીમાં રહેતા પ્રવિણભાઈ વાલજીભાઈ મારવાડી (ઉં.વ. 32) અને તેમના કારીગર અકુભાઈ કાગસીયા (ઉં.વ. 28) તરીકે થઈ છે. ગત 12 ફેબ્રુઆરીના રોજ સાંજે પ્રવિણભાઈ અને અકુભાઈ બોલેરો પીકઅપ ગાડીમાં ગણપતિની મૂર્તિઓ ખેડા મૂકવા ગયા હતા. મૂર્તિઓ ઉતાર્યા બાદ, તેઓ બોલેરો ગાડી ખેડા ખાતે મૂકીને પોતાની બાઈક પર ખેડાથી નડિયાદ પરત ફરી રહ્યા હતા.
રાત્રિના આશરે 9:30 થી 10:00 વાગ્યાના અરસામાં, જ્યારે તેઓ દાવડા ગામની સીમમાં નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનના ગર્ડર નીચેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી પ્રવિણભાઈના મોટરસાયકલને અડફેટે લીધું હતું.
આ ટક્કર વાગતા જ પ્રવિણભાઈ અને પાછળ બેઠેલા અકુભાઈ બંને રોડ પર પટકાયા હતા. અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત બાદ રાત્રિના સમયે ત્યાંથી પસાર થતા એક વ્યક્તિએ રોડ પર પડેલા યુવાનોને જોઈ પ્રવિણભાઈના પિતા વાલજીભાઈના મોબાઈલ પર ફોન કરીને જાણ કરી હતી.
આ સાંભળીને પરિવારના સભ્યો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યાં જઈને જોતા પ્રવિણભાઈ અને અકુભાઈ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.
ઘટનાની જાણ થતા જ એમ્બ્યુલન્સ મારફતે બંનેના મૃતદેહોને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વાલજીભાઈએ આ મામલે વસો પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
વસો પોલીસ મથકના અધિકારીએ આ મામલે તપાસ શરૂ કરી છે અને હાઈવે પર લાગેલા CCTV ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓના આધારે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અકસ્માત કયા વાહન સાથે અને કઈ રીતે થયો તે દિશામાં અત્યારે તપાસ ચાલી રહી છે. હાલમાં બંને મૃતકોના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી પૂર્ણ કરી પોલીસે કાયદેસરની તપાસ ચાલુ રાખી છે.