આણંદ: વસંત પંચમીને વણમાગ્યું મુહુર્ત માનવામાં આવતું હોવાથી આ દિવસે મિલ્કત ખરીદી અને નોંધણી માટે વિશેષ મહત્વ રહે છે. આ વર્ષે આણંદ જિલ્લામાં એનઆરઆઇઓના આગમન સાથે મિલ્કત નોંધણી માટે કચેરીઓમાં ભારે ભીડ જોવા મળી હતી. જેના પરિણામે આણંદ જિલ્લાના ૮ તાલુકામાં એક જ દિવસે કુલ ૨૨૦ દસ્તાવેજોની નોંધણી કરવામાં આવી હતી.
જિલ્લામાં થયેલી નોંધણી મુજબ સૌથી વધુ દસ્તાવેજો આણંદ સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધાયા હતા, જ્યાં ૧૧૦ દસ્તાવેજોની નોંધણી થઈ હતી. વસંત પંચમીના દિવસે નગરજનોમાં નવું મકાન, મિલ્કત તથા વાહન ખરીદવાની પરંપરા હોવાથી નોંધણી માટે લોકો વહેલી સવારથી કચેરીઓમાં પહોંચી ગયા હતા.
તાલુકાવાર નોંધણીના આંકડા મુજબ આણંદ તાલુકામાં ૧૧૦, પેટલાદમાં ૨૧, બોરસદમાં ૨૯, ખંભાતમાં ૩૦, ઉમરેઠમાં ૧૦, તારાપુરમાં ૮, આંકલાવમાં ૭ અને સોજિત્રામાં ૫ દસ્તાવેજોની નોંધણી થઈ હતી. દિવસભર આણંદ સહિત તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં ભીડભાડનું દૃશ્ય જોવા મળ્યું હતું.
મિલ્કત નોંધણીમાં થયેલા વધારાના કારણે રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. આ રીતે વસંત પંચમી પર્વ આણંદ જિલ્લામાં આવેલી તમામ ૮ સબ રજીસ્ટ્રાર કચેરીઓ માટે લાભદાયી સાબિત થયું હતું.