દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા વલસાડ, નવસારી સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે. સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક શહેરો અને ગામડાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વાપીના અવધ ટુંકવાડા, પટેલવાડી અને ગુંજન જેવા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો છે.
ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાતા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે બચાવ અને રાહત કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્રએ 23 જુલાઈના રોજ વલસાડ જિલ્લાના તમામ કારખાનાઓ અને ઔદ્યોગિક એકમો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. શ્રમિકોની સુરક્ષા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું વહીવટી તંત્રએ જણાવ્યું છે.