વલસાડના પારડી તાલુકાના સાંઢપોર ગામની પ્રાથમિક શાળામાં બુધવારે વિદ્યાર્થીઓને માર મારવાના આક્ષેપને લઈને હોબાળો થયો હતો. શાળાની શિક્ષિકા ભારતીબેન સામે કેટલાક વિદ્યાર્થીઓને લાકડીથી માર માર્યાના આક્ષેપ બાદ વાલીઓ મોટી સંખ્યામાં શાળાએ પહોંચ્યા હતા.
વાલીઓના જણાવ્યા મુજબ, શિક્ષિકાએ કેટલાક વિદ્યાર્થીઓને પીઠ, પગ સહિત શરીરના વિવિધ ભાગે લાકડીથી માર માર્યો હતો. આ ઘટનાની જાણ થતાં વાલીઓમાં રોષ ફેલાયો હતો અને તેઓ શાળાએ પહોંચીને શિક્ષિકા સામે કાર્યવાહી કરવાની માંગ કરવા લાગ્યા હતા.
મામલો ઉગ્ર બનતા 112ની ટીમ તેમજ વલસાડ સિટી પોલીસ શાળાએ પહોંચી હતી. પોલીસે વાલીઓ, શાળાના આચાર્ય અને ગામના સરપંચ સાથે વાતચીત કરીને પરિસ્થિતિને હાલ શાંત પાડી હતી. સાંઢપોર ગામના સરપંચ ધર્મેશ પટેલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
મળતી માહિતી મુજબ, શિક્ષિકા ભારતીબેનને પોલીસ સ્ટેશન લઈ જવાયા હોવાની પણ માહિતી સામે આવી છે. જોકે, શિક્ષિકાએ મીડિયા સમક્ષ આ સમગ્ર મામલે કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
વાલીઓએ શિક્ષિકા સામે કડક કાર્યવાહી કરવાની સાથે તેમની બદલી કરવાની માંગ કરી છે. માંગ સ્વીકારવામાં નહીં આવે તો બાળકોને શાળાએ નહીં મોકલવાની ચીમકી પણ વાલીઓએ ઉચ્ચારી છે.
હાલ સમગ્ર મામલે પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. વિદ્યાર્થીઓને ખરેખર માર મારવામાં આવ્યો હતો કે નહીં અને ઘટનાની હકીકત શું છે તે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.