યુવા પ્રતિભા, સંશોધન અને સ્ટાર્ટ-અપ્સનો પાંચ દિવસીય મહાકુંભ ખુલ્લો મુકાયો
વલ્લભ વિદ્યાનગરની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા CVM યુનિવર્સિટી દ્વારા યુવાઓના સર્જનાત્મક વિચારોને પ્રોત્સાહન આપવા અને નવી પેઢીને સંશોધન તથા નવાચાર તરફ દોરવાના હેતુથી આયોજિત “જ્ઞાનોત્સવ 4.0” નો આજે ભવ્ય રીતે આરંભ કરવામાં આવ્યો છે.
શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલા આ શૈક્ષણિક મહોત્સવનું ઉદ્ઘાટન આજે 4 ફેબ્રુઆરીના રોજ સવારે 10 વાગ્યે કરવામાં આવ્યું હતું. જ્ઞાન, ટેકનોલોજી અને સંશોધન ક્ષેત્રે રસ ધરાવતા વિદ્યાર્થીઓ, યુવાનો, શિક્ષણજગતના અગ્રણીઓ તેમજ સંશોધકો માટે આ ઉત્સવ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
આ પાંચ દિવસીય મહોત્સવ 4 થી 8 ફેબ્રુઆરી, 2026 દરમ્યાન યોજાશે, જેમાં દરરોજ સવારે 9 થી રાત્રે 8 વાગ્યા સુધી વિવિધ પ્રવૃત્તિઓ યોજાનાર છે.
જ્ઞાનોત્સવ 4.0ના મુખ્ય આકર્ષણોમાં
1. એક્ઝિબિશન પેવેલિયન દ્વારા શૈક્ષણિક અને ટેકનિકલ પ્રોજેક્ટ્સનું પ્રદર્શન,
2. ઈનોવેશન શોકેસમાં યુવાઓના નવતર સંશોધન અને નવા વિચારોની રજૂઆત,
3. આધુનિક ટેકનોલોજી આધારિત ગેમિંગ એરેના,
4. નવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપતું સ્ટાર્ટ-અપ એક્સપો વિશેષ આકર્ષણ બની રહેશે.
શિક્ષણ નગરી વલ્લભ વિદ્યાનગરમાં યોજાયેલા આ ગરિમાપૂર્ણ શૈક્ષણિક ઉત્સવથી યુવા સંશોધકોને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આયોજકો દ્વારા જ્ઞાનોત્સવને સફળ બનાવવા માટે વિશાળ તૈયારીઓ કરવામાં આવી છે.