વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દેહરી ગામે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક તંત્ર દ્વારા એક એકરમાં 10 હજાર વૃક્ષોના રોપાઓનું વાવેતર કરીને તેનું જતન કરવાની ખાતરી આપવામાં આવી હતી. રાજ્યપાલશ્રીએ ગામની દીકરીઓ દ્વારા લેવામાં આવેલા વૃક્ષ જતનના સંકલ્પને બિરદાવી જણાવ્યું હતું કે, આજે કરવામાં આવતું વૃક્ષારોપણ આગામી વર્ષોમાં ઓક્સિજનની માત્રામાં વધારો કરશે, પક્ષીઓને આશ્રય આપશે અને પર્યાવરણને વધુ સમૃદ્ધ બનાવશે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગના કારણે વિશ્વ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે, જેના નિવારણ માટે વૃક્ષારોપણ અને તેનું જતન અત્યંત જરૂરી છે. તેમણે વૃક્ષોને દેવતા સમાન ગણાવી લોકોમાં વધુમાં વધુ વૃક્ષો વાવવા અને ભાવિ પેઢી માટે હરિયાળું પર્યાવરણ સર્જવા અપીલ કરી હતી.
વૃક્ષારોપણ બાદ રાજ્યપાલશ્રીએ દેહરી ગામમાં સ્વચ્છતા અભિયાનમાં પણ ભાગ લીધો હતો. તેમણે ગામમાં સફાઈ કરી અને સ્વચ્છતા કર્મચારીઓનું સન્માન કર્યું હતું. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે સ્વચ્છતા જાળવવી એ દરેક નાગરિકની જવાબદારી છે અને સ્વચ્છતા થકી સમાજનું આરોગ્ય પણ વધુ સારું રહે છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન, કલેક્ટર નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચેપલોત સહિત જિલ્લા તંત્રના અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.