વિશ્વ પર્યાવરણ દિવસ (5 જૂન) નિમિત્તે ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને મહિલા સશક્તિકરણને જોડતી એક અનોખી પહેલ સફળતાપૂર્વક અમલમાં મુકવામાં આવી રહી છે. સેક્ટર-21 શાકમાર્કેટ ખાતે સ્થાપિત RRR (રિડ્યુસ, રિયુઝ, રિસાઈકલ) સેન્ટરમાં નાગરિકો પોતાના ઘરના જૂના અને ઉપયોગમાં ન રહેલા કપડાં જમા કરાવી શકે છે. અહીં કાર્યરત મહિલાઓ આ કપડાંમાંથી સુંદર અને ઉપયોગી કાપડની થેલીઓ તૈયાર કરે છે, જેના કારણે પ્લાસ્ટિક બેગના ઉપયોગમાં ઘટાડો થઈ રહ્યો છે અને સ્થાનિક મહિલાઓને ગૌરવપૂર્ણ રોજગારી પણ મળી રહી છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની આ નવતર પહેલને નાગરિકો તરફથી વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. ઓગસ્ટ 2025માં સેક્ટર-21 ખાતે શરૂ કરાયેલા RRR સેન્ટરની સફળતા બાદ આ અભિયાનને વધુ વેગ આપવા માટે એપ્રિલ 2026માં ટીપી-9 ગુડા ગાર્ડન ખાતે બીજું RRR સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવા, કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવા અને પુનઃઉપયોગની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટેની આ પહેલ અન્ય શહેરો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે.