આણંદ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તા.૮ માર્ચ નિમિત્તે વાસ્મો (WASMO) આણંદ દ્વારા મહિલાઓના ગૌરવ અને સશક્તિકરણને સમર્પિત એક વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત સરકાર દ્વારા ‘સુજલામ જળશક્તિ દિવસ’ અને ‘જળ મહોત્સવ’ નો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે, મહિલા એટલે ‘મ-મક્કમ, હિ-હિમ્મતવાન અને લા-લાગણીશીલ’. પીવાનું શુદ્ધ પાણી માત્ર એક જરૂરિયાત નથી, પરંતુ તે મહિલાઓના ગૌરવ, આત્મસન્માન અને આરોગ્ય સાથે સીધો જોડાયેલો વિષય છે. કાર્યશાળામાં પીવાના પાણીના મહત્તમ બચાવ અને આગામી પેઢીને શુદ્ધ પાણી મળી રહે તે માટે જળ સંરક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીના મહિલા સશક્તિકરણ અભિયાન હેઠળ, ગ્રામ્ય સ્તરે કાર્યરત 'પાણી સમિતિ'ઓમાં મહિલાઓ પોતાની ફરજો અને જવાબદારીઓ અસરકારક રીતે નિભાવી શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાસ્મોની યોજનાઓ અંતર્ગત મહિલાઓની ભાગીદારી ૧૦૦% થાય અને તેઓ જળ વ્યવસ્થાપનમાં સ્વનિર્ભર બને તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ દ્વારા મહિલાલક્ષી યોજનાઓ અને જાગૃતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ‘મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના’ અંતર્ગત જે સમિતિઓમાં ૭૦% થી વધુ મહિલા સભ્યો છે, તેવી જિલ્લાની ૦૨ (બે) પાણી સમિતિઓને ગામ દીઠ રૂપિયા ૫૦ હજાર લેખે કુલ રૂપિયા એક લાખનું પ્રોત્સાહન ફંડ ચેક સ્વરૂપે એનાયત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓ, નોબલ હેન્ડસ ફાઉન્ડેશનના ઉપપ્રમુખ વિશ્વાબેન બારોટ , સખી મંડળના મિરાબેન, C.H.O.અંકિતાબેન, સખી વન સ્ટોપ સેન્ટરના રૂમાના પઠાણ, સામાજિક કાર્યકર્તા શોભનાબેન, બાળ સુરક્ષામાંથી જીમીભાઇ તેમજ વાસ્મો આણંદના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.