વીમા પોલિસીના મિસ-સેલિંગ પર IRDAIનો કડક વલણ, એજન્ટોના કમિશન અને રજિસ્ટ્રીમાં થશે મોટા ફેરફાર

વીમા પોલિસીના મિસ-સેલિંગ પર IRDAIનો કડક વલણ, એજન્ટોના કમિશન અને રજિસ્ટ્રીમાં થશે મોટા ફેરફાર

વીમા ક્ષેત્રમાં ગ્રાહકોને ખોટી કે બિનજરૂરી પોલિસીઓ પધરાવી દેવાના (મિસ-સેલિંગ) વધતા જતા કિસ્સાઓ પર હવે વીમા નિયામક સંસ્થા IRDAI (ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) એ આકરું વલણ અપનાવ્યું છે. IRDAI ના ચેરમેન અજય સેઠે સ્પષ્ટ કર્યું છે કે, આ સમસ્યાના મૂળમાં વીમા એજન્ટોને મળતું જંગી કમિશન રહેલું છે. હવે નવા નિયમો દ્વારા આ સિસ્ટમમાં મોટા ફેરફારો કરવામાં આવશે, જેનો સીધો ફાયદો સામાન્ય ગ્રાહકોને થશે.

કમિશનના માળખામાં થશે મોટો ફેરફાર
મોટાભાગે ગ્રાહકોની એ ફરિયાદ રહે છે કે એજન્ટો પોતાના અંગત ફાયદા માટે તેમને ખોટા પ્રોડક્ટ્સ વેચી દે છે. આ અંગે વાત કરતા અજય સેઠે જણાવ્યું કે, જ્યારે એજન્ટોને પહેલા જ વર્ષે 40 થી 50 ટકા જેટલું ઊંચું કમિશન મળી જાય છે, ત્યારે તેમનું ધ્યાન યોગ્ય પ્રોડક્ટ વેચવા કરતા પોતાનો સેલ્સ ટાર્ગેટ પૂરો કરવા પર વધુ હોય છે. આ સમસ્યાને જડમૂળથી ખતમ કરવા માટે નિયામક એક નવો કન્સલ્ટેશન પેપર લઈને આવ્યું છે. નવા પ્લાન મુજબ, પહેલા વર્ષનું કમિશન ઘટાડવામાં આવશે અને જ્યારે ગ્રાહક પોતાની પોલિસી રિન્યુ કરાવશે ત્યારે એજન્ટને બાકીનું કમિશન ચૂકવવામાં આવશે. આનાથી એજન્ટો ગ્રાહકો સાથે લાંબા સમય સુધી જોડાયેલા રહેશે અને વીમા કંપનીઓનો ખર્ચ ઘટતા પ્રીમિયમની રકમમાં પણ રાહત મળશે.

ડિફોલ્ટર એજન્ટોની પબ્લિક રજિસ્ટ્રી બનશે
ફક્ત કમિશન ઘટાડવું પૂરતું નથી, તેથી IRDAI એક 'પબ્લિક ઇન્શ્યોરન્સ રજિસ્ટ્રી' તૈયાર કરવા જઈ રહ્યું છે. અત્યાર સુધી માત્ર ગ્રાહકોનું જ KYC થતું હતું, પરંતુ નવા નિયમ બાદ ગ્રાહકોને તેમના એજન્ટ કે સપ્લાયરનો સંપૂર્ણ ઈતિહાસ જાણવાની તક મળશે. આ રજિસ્ટ્રીમાં એવા તમામ ડિસ્ટ્રીબ્યુટર્સનો રેકોર્ડ હશે જેઓ ખોટી રીતે પોલિસી વેચે છે. જો કોઈ એજન્ટ સામે વધુ ફરિયાદો હશે, તો ગ્રાહક તેની પાસેથી પોલિસી લેતા પહેલા જ સાવચેત થઈ શકશે.

પરાણે વીમો થોપવા પર અને 'ડાર્ક પેટર્ન' પર પ્રતિબંધ
બેંકોમાંથી લોન લેતી વખતે ગ્રાહકોને બળજબરીથી જીવન વીમાની પોલિસી પકડાવી દેવાની પ્રથા પર પણ રોક લગાવવામાં આવશે. નિયામકનું કહેવું છે કે ધિરાણકર્તા પોતાના રક્ષણ માટે વીમાની માંગ કરી શકે છે, પરંતુ તેમાંથી કમિશન કમાવવાની અપેક્ષા રાખી શકે નહીં.

આ ઉપરાંત, ઓનલાઈન પોર્ટલ પર માત્ર પ્રીમિયમનો રેટ જાણવા માંગતા ગ્રાહકો પાસેથી ફરજિયાત મોબાઈલ નંબર માંગવાની 'ડાર્ક પેટર્ન' પર પણ કડક કાર્યવાહી કરાશે. વીમાના દરને ખાનગી માહિતીના પડદા પાછળ છુપાવી શકાય નહીં. કોઈ પણ કંપની ગ્રાહકને ન જોઈતી વસ્તુ ખરીદવા માટે મજબૂર કરી શકશે નહીં.

વીમા ઉદ્યોગના ખર્ચમાં ઘટાડો કરવાનો લક્ષ્યાંક
અજય સેઠે નોંધ્યું છે કે અગાઉ જીવન વીમા ઉદ્યોગનો ખર્ચ 16.5% સુધી નીચે આવી ગયો હતો, જે હવે ફરી વધીને 20% ની પાર થઈ ગયો છે. જનરલ ઇન્શ્યોરન્સમાં પણ ખર્ચ 25% થી વધીને 32% સુધી પહોંચ્યો છે. કંપનીઓએ ફરીથી ઓછા ખર્ચ વાળી સારી સ્થિતિમાં પરત ફરવું પડશે. આ તમામ સુધારાઓ માટે કન્સલ્ટેશન પેપર જાહેર કરી દેવાયું છે અને આ નવા નિયમો 1 જાન્યુઆરી 2027 અથવા 1 એપ્રિલ 2027થી અમલમાં આવી શકે તેવી પ્રબળ શક્યતા છે.