વિદ્યાનગરની CVM રાણક ગર્લ્સ હોસ્ટેલમાં ગંભીર ફૂડ પોઇઝનિંગની ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. આશરે 100 જેટલી વિદ્યાર્થિનીઓ ફૂડ પોઇઝનિંગનો શિકાર બની હોવાનું સામે આવ્યું છે, જેમાંથી કેટલીક વિદ્યાર્થિનીઓની સ્થિતિ ગંભીર હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે.
વિદ્યાર્થિનીઓનો આક્ષેપ છે કે હોસ્ટેલના ભોજનની ગુણવત્તાને લઈને તેઓએ એક મહિના પહેલાં યોજાયેલી બેઠકમાં જ ફરિયાદો રજૂ કરી હતી, પરંતુ તેમની સમસ્યાનો હજુ સુધી કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી.
વિદ્યાર્થિનીઓના જણાવ્યા પ્રમાણે, હોસ્ટેલમાં આપવામાં આવતા ભોજનમાં તેલ તગતગતું હોય છે, ક્યારેક જીવાતો પણ મળી આવે છે અને ભોજનની ગુણવત્તા અત્યંત નબળી હોવા છતાં તેમને એ જ ભોજન ખાઈને પૂરું કરવા માટે દબાણ કરવામાં આવતું હતું.
આ પહેલાં પણ ભોજનમાંથી વંદો નીકળવાની ઘટના સામે આવી હતી. ત્યારે વિદ્યાર્થિનીઓએ તેનો વિરોધ કર્યો હતો, પરંતુ આક્ષેપ મુજબ વિરોધ કરનાર વિદ્યાર્થિનીઓને સસ્પેન્ડ કરવામાં આવી હતી.
બીજી તરફ, આ મામલે હોસ્ટેલના સુપરિન્ટેન્ડન્ટે વિદ્યાર્થિનીઓના આક્ષેપોને નકારી કાઢતાં કહ્યું હતું કે દીકરીઓ ખોટું બોલી રહી છે. એટલું જ નહીં, મીડિયા ઘટનાસ્થળે પહોંચ્યું ત્યારે વિદ્યાર્થિનીઓને અંદર મોકલવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ છે. જોકે, વિદ્યાર્થિનીઓએ હિંમતપૂર્વક પોતાનો પક્ષ મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો.
ફૂડ પોઇઝનિંગ બાદ વિદ્યાર્થિનીઓને સારવાર માટે પ્રેરણા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જોકે, વિદ્યાર્થિનીઓનો આક્ષેપ છે કે ત્યાં તે સમયે ડોક્ટર ઉપલબ્ધ નહોતા અને કમ્પાઉન્ડર દ્વારા ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થિનીઓએ એવો પણ આક્ષેપ કર્યો કે કમ્પાઉન્ડરને ઈન્જેક્શન યોગ્ય રીતે આપતા પણ આવડતું નહોતું.
વિદ્યાર્થિનીઓના જણાવ્યા પ્રમાણે, જ્યારે તેમણે અડધી રાત્રે પોતાની તબિયત અંગે ફરિયાદ કરી ત્યારે ત્યાંના રેક્ટર તરફથી એવો જવાબ આપવામાં આવ્યો હતો કે, “જેટલી ફરિયાદ હોય એટલી જલ્દી આવી જાવ, અમારે સુવાનું પણ હોય.”
હવે આ સમગ્ર મામલે આણંદ જિલ્લાના આરોગ્ય અધિકારી ડૉ. પિયુષ પટેલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે ફૂડ સેફ્ટી અધિકારીઓને સ્થળ પર મોકલીને તપાસ અને ચકાસણી કરવામાં આવશે.
સવાલ હવે માત્ર ફૂડ પોઇઝનિંગનો નથી… સવાલ એ છે કે વિદ્યાર્થિનીઓ એક મહિના પહેલાંથી ભોજનની ગુણવત્તા અંગે ફરિયાદો કરી રહી હતી તો તેમની વાતને સમયસર ગંભીરતાથી કેમ લેવામાં આવી નહીં? અને જો અગાઉ પણ ભોજનમાંથી જીવાતો મળવાની ફરિયાદો સામે આવી હતી, તો તેના પર યોગ્ય કાર્યવાહી કેમ ન થઈ?
આશરે 100 દીકરીઓની તબિયત બગડ્યા બાદ હવે તપાસની વાત થઈ રહી છે… પરંતુ શું આટલી મોટી ઘટના પહેલાં જ તેમની ફરિયાદો સાંભળવામાં આવી હોત તો આજે આ સ્થિતિ સર્જાઈ હોત?