વિદ્યાનગરના નાનાબજારમાં ગાયો-ભેંસોના ટોળાથી રહેવાસીઓ પરેશાન, કમિશ્નરને રજૂઆત
વિદ્યાનગરમાં નાના બજાર વિસ્તારના જાહેર માર્ગ અને રહેણાંક વિસ્તારમાં માલધારીઓ છોડાતી ૩૦૦થી વધુ ગાયો, ભેંસોના કારણે સ્થાનિકોને જાહેર માર્ગ પરથી અવરજવર કરવી મુશ્કેલી બની છે. છેલ્લા ઘણા સમયથી આ પરેશાનીથી ત્રસ્ત સ્થાનિકોએ મનપા કમિશ્નરને લેખિત રજૂઆત કરી છે.
જેમાં જણાવ્યું છે કે, આ વિસ્તારમાં વસતા માલધારીઓ દ્વારા દરરોજ દૂધ દોહ્યા બાદ ગાયો, ભેંસોને જાહેર રસ્તા પર છોડી દેવાય છે. જે અંગે કશું કહેવા જનાર સ્થાનિક સાથે ઝઘડો કરીને માલધારીઓ મારવાની ધમકી આપે છે. જાહેર માર્ગ પર રખડતા પશુઓએ કબજો જમાવ્યો હોવાથી વાહન લઇને કે ચાલતા પસાર થવામાં અકસ્માતની ભીતિ સર્જાય છે. ઉપરાંત રખડતા પશુઓની અડફેટે ઇજાગ્રસ્ત બન્યાના અનેક કિસ્સા બન્યા છે. રજૂઆતમાં કમિશ્નરને જણાવાયું છે કે, તેઓ સાંજે ૬થી ૮ના સમયગાળામાં આ વિસ્તારની મુલાકાત લે તો સાચી વાસ્તવિકતા જોવા મળે. જાહેર માર્ગ પર છોડાતા પશુઓના કારણે મળ-મૂત્રની ગંદકી ફેલાય છે. જેના કારણે મચ્છરો સહિત જીવાતોનો ઉપદ્રવ પણ સ્થાનિકો માટે પરેશાનીરુપ બન્યો છે. ખાસ કરીને આ વિસ્તારના બાળકો, વૃદ્વો અને મહિલાઓ જાહેર માર્ગ પર અવરજવર કરવામાં ડર અનુભવે છે. આથી આ મામલે સત્વરે કાર્યવાહી હાથ ધરીને સમસ્યાનો નિકાલ લાવવા રજૂઆતમાં જણાવાયું છે.