ઢોલ-નગારાના તાલ… ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના નાદ… અને આંખોમાં બાપ્પાને વિદાય આપવાની લાગણી!
વિદ્યાનગરમાં સાત દિવસના ગણેશ મહોત્સવના અંતિમ દિવસે ભક્તિમય માહોલ વચ્ચે ગણેશ વિસર્જન યાત્રા નીકળી હતી.
રવિવારની સવારથી જ શહેરના વિવિધ પંડાલોમાં મહાપૂજા અને મહાઆરતી સાથે બાપ્પાને વિદાય આપવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી.
બપોર બાદ મોટા બજાર, નાના બજાર, હરિઓમનગર સહિતના વિસ્તારોમાંથી ઢોલ-નગારાના તાલે અને ‘પુઢચ્યા વર્ષી લવકર યા’ના નાદ સાથે વિસર્જન યાત્રાનો પ્રારંભ થયો.
આ યાત્રામાં નાના-મોટા 62 ગણેશ મંડળો જોડાયા હતા. એટલું જ નહીં, ઘરો અને સોસાયટીઓમાં સ્થાપિત કરાયેલા 150થી વધુ ગણેશજી પણ વિસર્જન માટે નીકળ્યા હતા.
પરિણામે વિદ્યાનગરના રસ્તાઓ પર જાણે દર થોડા અંતરે બાપ્પાની વિદાય યાત્રા જોવા મળી રહી હતી.
ક્યાંક 5 ફૂટની પ્રતિમા તો ક્યાંક 20 ફૂટ સુધીની વિશાળ ગણેશ પ્રતિમા… ડીજેના તાલ અને ભક્તોના જયઘોષ વચ્ચે સમગ્ર શહેર ગણેશમય બની ગયું હતું.
ભાઇકાકા સ્ટેચ્યુથી શરૂ થયેલી મુખ્ય વિસર્જન યાત્રા ટાઉન હોલ, ગોપી સિનેમા થઈ લોટિયા ભાગોળ તળાવ તરફ પહોંચી હતી.
નાના મંડળો અને પરિવારો દ્વારા જોળ નહેરમાં, જ્યારે મોટા મંડળો દ્વારા આણંદના લોટેશ્વર તળાવમાં ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
જ્યારે સ્ટાઇકર પરિવાર અને ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ દ્વારા સ્થાપિત માટીની મૂર્તિનું સ્થળ પર જ વિસર્જન કરવામાં આવ્યું હતું.
બાપ્પાની અંતિમ ઝલક મેળવવા માટે વિદ્યાનગરના માર્ગો પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
અને વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ફાયર બ્રિગેડ અને મહાનગરપાલિકા તંત્ર પણ સજ્જ રહ્યું હતું. ફાયર વિભાગ દ્વારા બે તરાપા, એક બોટ અને 16 તરવૈયાઓ તૈનાત રાખવામાં આવ્યા હતા.
મોડી સાંજ સુધીમાં આણંદ શહેર અને આસપાસના વિસ્તારમાં નાની-મોટી મળીને 250થી વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
બાપ્પાની વિદાય સાથે માર્ગો પર ગુંજતો રહ્યો એક જ નાદ—
‘ગણપતિ બાપ્પા મોરિયા… પુઢચ્યા વર્ષી લવકર યા!’