વલ્લભ વિદ્યાનગર: અમદાવાદમાં અભૂતપૂર્વ સફળતા મેળવ્યા બાદ, હવે ચરોતરના આંગણે પ્રથમ વખત અત્યાધુનિક ટેકનોલોજી અને સંસ્કૃતિનો અનોખો સંગમ યોજાવા જઈ રહ્યો છે. આગામી ૧૫ માર્ચ ૨૦૨૬ના રોજ વલ્લભ વિદ્યાનગરના ઐતિહાસિક શાસ્ત્રી મેદાન ખાતે 'નમોત્સવ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજે આણંદ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી સંજયભાઈ પટેલ, મહામંત્રી શ્રી જગત પટેલ અને સંગઠનના અન્ય ઉચ્ચ હોદ્દેદારોએ શાસ્ત્રી મેદાનની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન નેતાઓએ સ્ટેજ, બેઠક વ્યવસ્થા અને સુરક્ષા સહિતના વિવિધ પાસાઓનું બારીકાઈથી નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી..
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વિદ્યાનગરના આકાશમાં પ્રથમ વખત યોજાનારો ભવ્ય 'ડ્રોન શો' હશે, જે અત્યાધુનિક લાઈટિંગ અને ફોર્મેશન સાથે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દેશે. આ સાથે જ પ્રખ્યાત લોકસાહિત્યકાર અને હાસ્ય કલાકાર સાઈરામ દવે તેમની ૧૫૦ આર્ટિસ્ટની વિશાળ ટીમ સાથે લાઈવ પરફોર્મન્સ આપી સાંસ્કૃતિક રંગ જમાવશે. અમદાવાદના સફળ આયોજન બાદ વિદ્યાનગરમાં આ પ્રકારનો મોટો કાર્યક્રમ પ્રથમવાર યોજાઈ રહ્યો હોવાથી સમગ્ર જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સ્થળ મુલાકાત દરમિયાન જિલ્લા અધ્યક્ષ સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાની જનતા માટે આ એક સુવર્ણ અવસર છે જેમાં ટેકનોલોજી અને કલાનો અદભૂત સમન્વય જોવા મળશે. 'નમોત્સવ' અંતર્ગત આયોજિત આ કાર્યક્રમને તમામ નાગરિકો માટે 'ઓપન ફોર ઓલ' રાખવામાં આવ્યો છે, જેથી મોટી સંખ્યામાં લોકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની શકે. સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો આ આયોજનને સફળ બનાવવા માટે રાત-દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે અને સમગ્ર ચરોતરવાસીઓને આ ઉત્સવમાં સહભાગી થવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.