વિધાનગરમાં મીટરમાં શોર્ટસર્કિટથી આગ, ફાયરબ્રિગેડે સમયસર કાબૂ મેળવ્યો
આણંદના વિધાનગરમાં મિર્ચી મસાલા પાછળ આવેલા નંદ જશોદા એપાર્ટમેન્ટના મીટરમાં આજે સવારે શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. આ ઘટનાની જાણ કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી.
ફાયર કોલ મળતા જ ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સૂચના મુજબ બે મીની ફાયર ફાઈટર સાથે ફાયર ડ્રાઈવર હિતેન ઠાકોર, તેમજ ફાયરમેન અજયકુમાર પરમાર, વિવેક પટેલ, ઉમેદસિંહ ઠાકોર, જયેશ ઠાકોર, રઘુવીરસિંહ પઢીયાર અને કૃષ્ણરાજ રાઉલજી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
.ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને ઝડપથી ફાયર ફાઈટિંગ કામગીરી હાથ ધરી હતી. તેમણે મીટરમાં લાગેલી આગને નિયંત્રિત કરી વધુ ફેલાય તે પહેલા જ સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી. ફાયરબ્રિગેડની સમયસરની કાર્યવાહીને કારણે મોટી દુર્ઘટના અને નુકસાન ટળી ગયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.