વડતાલ: વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે ધોલેરાધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે ભવ્ય કાર્તિકી સમૈયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંદિર પરિસરમાં પહોંચ્યા બાદ મુખ્યમંત્રીએ ભગવાન સ્વામિનારાયણનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે સંતો, મહંતો અને મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે શિક્ષણ અને યાત્રાળુઓની સુવિધા સાથે જોડાયેલા વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં નવનિર્મિત હરિકૃષ્ણ મહારાજ પ્રાથમિક કુમારશાળા, ગોપાળાનંદ સ્વામી અતિથિ ભુવનના વિસ્તરણ કાર્ય તેમજ નરસંડા ચોકડી નજીક નિર્મિત અક્ષરનિવાસી શ્યામવલ્લભદાસજી સ્વામી સ્મૃતિ દ્વારનો સમાવેશ થાય છે.
'વિકાસ ભી, વિરાસત ભી'ના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે ગુજરાત
કાર્તિકી સમૈયાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડતાલની આ પવિત્ર ભૂમિમાંથી શક્તિ અને પ્રેરણા મળે છે. તેમણે હળવા અંદાજમાં કહ્યું હતું કે, "અમારી તાકાત અહીંયા છે, એટલે તાકાત લેવા તો આવવું પડે ને."
વધુમાં તેમણે જણાવ્યું કે, ભગવાન સ્વામિનારાયણે સમાજના તમામ લોકોને સાથે લઈને આગળ વધવાનો સંદેશ આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ'ના મંત્ર સાથે દેશને આગળ વધારી રહ્યા છે. સરકારની વિવિધ યોજનાઓના કેન્દ્રમાં ગરીબ અને છેવાડાના માનવીને રાખવામાં આવ્યા છે. આ જ પ્રયાસોના પરિણામે દેશના આશરે 50 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
મંદિર દ્વારા શાળાના નિર્માણ માટે ચાર કરોડનું યોગદાન
આ પ્રસંગે મુખ્યમંત્રીએ મંદિર સંસ્થા દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલા યોગદાનની પણ પ્રશંસા કરી હતી. આશરે 75 વર્ષ જૂની શાળાના સ્થાને નવી શાળાના નિર્માણ માટે મંદિર દ્વારા અંદાજે ચાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું. આ પહેલથી સ્થાનિક વિદ્યાર્થીઓને આધુનિક શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ થશે.
આ ઉપરાંત ગોપાળાનંદ સ્વામી અતિથિ ભુવનના વિસ્તરણથી બહારગામથી આવતા હરિભક્તો અને યાત્રાળુઓ માટે રહેવાની સુવિધામાં વધારો થશે. મુખ્યમંત્રીએ વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
આણંદમાં દાદા ભગવાનની 119મી જન્મજયંતીની ઉજવણીમાં હાજરી
વડતાલના કાર્યક્રમ પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ ખાતે પૂજ્ય દાદા ભગવાનની 119મી જન્મજયંતી મહોત્સવમાં હાજરી આપી હતી. અહીં તેમણે દાદા ભગવાનનાં દર્શન કરી દાદા-નીરુમાના ફોટાનું પૂજન કર્યું હતું. ત્યારબાદ આરતીમાં સહભાગી બની મન, વચન અને કર્મથી માનવ કલ્યાણની સેવા કરવાની પ્રેરણા અને આશીર્વાદ મેળવ્યા હતા.
વલાસણ ધામમાં મેલડી માતાજીનાં દર્શન કર્યા
આણંદ જિલ્લાના વલાસણ ખાતે આવેલા શ્રી મેલડી માતાના મંદિરે પણ મુખ્યમંત્રીએ દર્શન કર્યા હતા. તેમણે માતાજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ભાવપૂર્વક વંદન કર્યા હતા. સાથે જ મંદિર પરિસરમાં આવેલા માતાજીના પ્રાગટ્ય સ્થાન તરીકે ઓળખાતા 'સિંદૂરિયા કેરડા'ના વૃક્ષનાં પણ દર્શન કર્યા હતા.
મંદિરના પૂજારી યોગેશ ત્રિવેદીએ મુખ્યમંત્રીને મંદિરના ધાર્મિક મહત્ત્વ અને ઐતિહાસિક મહિમા વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે તેમને માતાજીની પ્રતિકૃતિ, ચુંદડી અને પ્રસાદ ભેટ આપવામાં આવ્યા હતા.
આમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આણંદ જિલ્લાની મુલાકાત દરમિયાન ધાર્મિક આસ્થા સાથે શિક્ષણ, યાત્રાધામની સુવિધા અને સામાજિક વિકાસને લગતા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.