વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં ક્લિનિક ચલાવતો એક બોગસ ડોક્ટર કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત ટીમે ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ ગાજરાવાડી સુએજ પમ્પિંગ સ્ટેશન નજીક શિવનગર વિસ્તારમાં છેલ્લા લગભગ સાત મહિના થી “સ્વસ્તિક ક્લિનિક”ના નામે એક વ્યક્તિ દ્વારા એલોપથી દવાઓ આપી સારવાર કરવામાં આવતી હોવાની માહિતી મળતા એસ.ઓ.જી.ની ટીમે કોર્પોરેશનના ડોક્ટર સાથે મળીને દવાખાનામાં છાપો માર્યો હતો. તપાસ દરમિયાન ધવલ ભરતભાઈ કવાડ (હાલ રહે. શંકરપુરા, રાવપુરા અને મૂળ વતન વાઘનગર, મહુવા, ભાવનગર) પાસેથી કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી મળી આવી નહોતી. પોલીસે દવાખાનામાંથી ગ્લુકોઝની બોટલો, કફ સીરપ, એન્ટીબાયોટિક્સ, ઇન્જેક્શન સહિત વિવિધ દવાઓ મળી અંદાજે રૂ.30 હજારની કિંમતનો જથ્થો કબજે કર્યો છે અને બોગસ ડોક્ટર તરીકે ગેરકાયદેસર પ્રેક્ટિસ કરવા બદલ તેની સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો, એલોપથી દવાઓનો જથ્થો કબજે કરીને તંત્રની કાર્યવાહી