વડોદરાવાસીઓ માટે વરસાદને લઈને એક મહત્વની સુવિધા શરૂ કરવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને શહેર અને જિલ્લાના 15 સ્થળોએ લગાવેલા રેઇન સેન્સરનો રિયલ-ટાઈમ વરસાદી ડેટા હવે પોતાની વેબસાઇટ પર જાહેર કરવાનું શરૂ કર્યું છે.
આ નવી વ્યવસ્થાથી નાગરિકો પોતાના વિસ્તાર સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 15 મિનિટ અને છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ પડ્યો છે, તેની લાઈવ માહિતી સરળતાથી મેળવી શકશે.
કોર્પોરેશને આજવા, પ્રતાપપુરા, રૂપાપુરા, આસોજ, ગોપીપુરા, માદર, ગુતર, તાજપુરા, માંજલપુર, હરિનગર, સમા અને દાંડિયા બજાર સહિત કુલ 15 સ્થળોના વરસાદના આંકડા જાહેર કર્યા છે.
તાજેતરના રિપોર્ટ મુજબ, છેલ્લા 24 કલાકમાં પ્રતાપપુરા વિસ્તારમાં સૌથી વધુ 88 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાયો છે.
કોર્પોરેશનનું કહેવું છે કે ચોમાસા દરમિયાન વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવા, પાણી ભરાવાની સ્થિતિનું આયોજન કરવા અને નાગરિકોને સમયસર માહિતી પહોંચાડવા માટે આ લાઈવ મોનિટરિંગ સિસ્ટમ મહત્વપૂર્ણ સાબિત થશે.