વડોદરામાં ભારે વરસાદ બાદ વરસાદી નાળામાં પાણીનો પ્રવાહ એટલો વધી ગયો કે સફાઈ કામગીરી માટે ઉતારવામાં આવેલું ફ્લોટિંગ પોકલેન્ડ (ડ્રેઇન માસ્ટર) મશીન પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈને તુલસીવાડી વિસ્તારમાંથી ઇન્દિરાનગર સુધી પહોંચી ગયું. આ ઘટનાએ સ્થાનિકોમાં પણ ચિંતા ફેલાવી હતી.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન વરસાદી નાળામાં જમા થયેલા ઝાડી-ઝાંખરા, કાદવ અને કચરો દૂર કરવા માટે આ મશીનને ઉતારવામાં આવ્યું હતું. જોકે, ગુરુવારે પડેલા ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીની વધેલી સપાટીની અસર નાળા પર થતાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો.
મશીન વધુ આગળ વહીને વિશ્વામિત્રી નદીમાં ન પહોંચી જાય તે માટે તંત્રએ તેને ઝાડ સાથે બાંધી દીધું છે. હાલ મશીનને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે કામગીરી ચાલી રહી છે, જ્યારે વરસાદી નાળાની સફાઈ અને પાણીના નિકાલ પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે.