Advertisement

વડોદરામાં ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ભારે દોડધામ, ડોક્યુમેન્ટ ચકાસણીને લઈને છેલ્લી ઘડી સુધી ઉચાટ

વડોદરામાં ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ભારે દોડધામ, ડોક્યુમેન્ટ ચકાસણીને લઈને છેલ્લી ઘડી સુધી ઉચાટ

વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોવાથી શહેરમાં રાજકીય માહોલ ગરમાયો હતો. ગઈ કાલે સાંજે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી, જ્યારે કોંગ્રેસે મોડી રાત્રે પોતાની યાદી જાહેર કરતા બંને પક્ષના ઉમેદવારોમાં આજે સવારથી ઉત્સાહ સાથે તણાવભર્યો માહોલ જોવા મળ્યો હતો.


છેલ્લા દિવસે ઉમેદવારી પત્ર ભરવા માટે શહેરની વિવિધ સરકારી કચેરીઓમાં ભારે પડાપડી જોવા મળી હતી. જરૂરી દસ્તાવેજોની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઉમેદવારો તેમજ તેમના સમર્થકો સવારથી જ દોડધામ કરતા જોવા મળ્યા હતા.


ઉમેદવારી ફોર્મ માટે જરૂરી પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ, એફિડેવિટ, મિલ્કતની વિગતો સહિતના દસ્તાવેજો પૂર્ણ કરવા ઘણા ઉમેદવારોને અંતિમ ઘડી સુધી પ્રયત્નશીલ રહેવું પડ્યું હતું. દસ્તાવેજોમાં નાની-મોટી ખામીઓ દૂર કરવા માટે કેટલાક ઉમેદવારોને વારંવાર કચેરીઓમાં ચક્કર લગાવવા પડ્યા હતા, જેના કારણે ઉમેદવારો અને તેમના કાર્યકરોમાં ઉચાટ અને તણાવનો માહોલ જોવા મળ્યો હતો.


ભાજપના લગભગ તમામ ઉમેદવારો અને કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારો ઢોલ-નગારા અને પક્ષના ઝંડા-બેનરો સાથે રેલી સ્વરૂપે ઉમેદવારી પત્ર ભરવા માટે સંબંધિત કચેરીઓએ પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકરો ઉમેદવારો સાથે આવતા શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને ઉમેદવારી સ્વીકારતી કચેરીઓની આસપાસના માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી જતા સામાન્ય વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિ સંભાળવા પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ માટે વધારાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.


આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન આચાર સંહિતાના પાલન અંગે ચૂંટણી તંત્ર પણ સતર્ક રહ્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરવા આવતી રેલીઓમાં નિયમોનું પાલન થાય તેની ખાતરી કરવા ચૂંટણી અધિકારીઓ દ્વારા સતત નજર રાખવામાં આવી હતી. સાથે જ ઉમેદવારોને પણ ચૂંટણી નિયમોનું પાલન કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.


ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં હવે આગામી દિવસોમાં ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રચાર માટેની હરીફાઈ વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. શહેરમાં રાજકીય ચહલપહલ આગામી દિવસોમાં વધુ વધે તેવી સંભાવના છે.

Advertisement