વડોદરામાં મિત્રતાના આધારે આપવામાં આવેલી મોટી રકમ પરત ન કરતા અને રૂ.50 લાખનો ચેક બાઉન્સ થતાં દાખલ થયેલા કેસમાં કોર્ટએ આરોપી સોનેશ રાવજીભાઈ પટેલ (રહે. આત્મજ્યોતિનગર, ઇલોરાપાર્ક, વડોદરા)ને દોષિત ઠેરવી એક વર્ષની કેદની સજા ફટકારી છે. સાથે જ કોર્ટએ ચેકની રકમ રૂ.50 લાખ વળતર પેટે ફરિયાદી ચતુર ગોરધનભાઈ દુધાત (રહે. વાસણા ભાયલી રોડ, વડોદરા)ને ચૂકવવાનો હુકમ કર્યો છે. ફરિયાદી ચતુરભાઈ જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને જૂના પાદરા રોડ પર પોતાના મકાનના રી-ડેવલપમેન્ટ બાદ બનેલા કોમ્પલેક્ષમાં સોનેશ પટેલે ત્રીજા માળે ઓફિસ ખરીદી હતી. આ વ્યવહારમાં બંને વચ્ચે ઓળખાણ બાદ મિત્રતા થઈ હતી. વર્ષ 2024 દરમિયાન સોનેશે નાણાકીય જરૂરિયાત જણાવી તેની માતાનું ડ્રીમ કિસ્ટલ સ્કીમમાં આવેલ મકાન વેચાણ માટે આપવાની વાત કરી હતી અને રૂ.1.20 કરોડમાં સોદો નક્કી કરી બાનાખત લખાઈ હતી. ત્યારબાદ ચતુરભાઈએ રૂ.50 લાખ આરટીએજીએસ દ્વારા ચૂકવ્યા હતા તેમજ મિલકતના અવેજમાં રૂ.25 લાખ વધુ આપ્યા હતા. બાદમાં સોનેશે ધંધા માટે રૂ.1.40 કરોડની વધુ રકમ માગી અને એક મહિના બાદ મોટું પેમેન્ટ આવવાનું જણાવી બાકી રહેલા રૂ.45 લાખ સહિત તમામ રકમ પરત આપવાની ખાતરી આપી હતી, જેના વિશ્વાસે ચતુરભાઈએ તેને રૂ.1.40 કરોડ આપ્યા હતા.
આ રકમમાંથી પરતફેર રૂપે સોનેશે આપેલો રૂ.50 લાખનો ચેક બેંકમાં જમા કરાવતા બાઉન્સ થયો હતો, જેના કારણે ચતુરભાઈએ ધી નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ તેમના વકીલ પ્રશાંત કાપડિયા મારફતે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસની સુનાવણી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઇફ્તેખારહુસેન સૈયદની કોર્ટમાં ચાલી હતી અને બંને પક્ષોની દલીલો તથા પુરાવાની તપાસ બાદ કોર્ટે સોનેશ પટેલને એક વર્ષની કેદની સજા તથા રૂ.50 લાખ વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. નોંધનીય છે કે સોનેશ પટેલ સામે અગાઉ પણ ચેક રિટર્નના કેસમાં સજા થઈ ચૂકી છે. ઉપરાંત મહીસાગર નદીના કિનારે રહેણાંક સ્કીમના નામે જમીન વેચાણમાં અંદાજે રૂ.5 કરોડની છેતરપિંડીના કેસમાં પણ તેની સંડોવણી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં દલાલ તરીકે કામ કરતા સોનેશે નોન એગ્રીકલ્ચરલ જમીન આપવાની વાત કરી હોવા છતાં 25 વિઘા ખેતીલાયક જમીન આપી દેતા રોકાણકારો સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું.