વડોદરા મહાનગરપાલિકામાં ભાજપના કોર્પોરેટર સામે સરકારી અધિકારી સાથે મારામારી કરવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. શહેરના વોર્ડ નંબર 4ના ભાજપના કોર્પોરેટર મયુર ચોવટિયા અને તેમની સાથે આવેલા કેટલાક લોકોએ ડ્રેનેજ વિભાગના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર પ્રકાશ રોહિત સાથે મારામારી કરી હોવાનો આરોપ છે. ડ્રેનેજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાની વાતને લઈને આ સમગ્ર વિવાદ સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.
ઘટના બાદ ઇજનેર પ્રકાશ રોહિત અન્ય અધિકારીઓ સાથે બાપોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ, સમગ્ર મામલો હવે વડોદરા મહાનગરપાલિકાના મેયર ગીતાબેન મકવાણા સુધી પહોંચ્યો છે.
રામદેવનગર ત્રણ રસ્તા પાસે કામગીરી દરમિયાન થયો વિવાદ
મળતી માહિતી મુજબ, રામદેવનગર ત્રણ રસ્તા પાસે વોર્ડ નંબર 4 હેઠળ વરસાદી ગટરના મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ગટરનો એક સ્લેબ તૂટી ગયો હોવાથી તેનું સમારકામ કરવામાં આવી રહ્યું હતું.
આ કામગીરી દરમિયાન નાયબ અધિકારીની સૂચનાથી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર પ્રકાશ રોહિત સ્થળ તપાસ માટે પહોંચ્યા હતા. અધિકારીઓની સૂચના મુજબ મજૂરોએ ગટરની જાળી હટાવીને બાજુમાં મૂકી હતી. જોકે, આ દરમિયાન કોર્પોરેટર મયુર ચોવટિયા સ્થળ પર પહોંચ્યા હતા અને જાળી કેમ હટાવવામાં આવી તે અંગે સવાલ ઉઠાવ્યા હતા.
ભ્રષ્ટાચારના આરોપ બાદ ગાળાગાળી અને મારામારીનો આક્ષેપ
એન્જિનિયર પ્રકાશ રોહિતના જણાવ્યા અનુસાર, કોર્પોરેટર મયુર ચોવટિયા સાથે આશરે 7થી 10 જેટલા લોકો હાજર હતા. તેમણે કામગીરીમાં ભ્રષ્ટાચાર અને ખોટું કામ થતું હોવાના આક્ષેપો કર્યા હતા.
એન્જિનિયરે કામગીરી અધિકારીઓની સૂચના અને નિયમો મુજબ થઈ રહી હોવાનું સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને ગાળાગાળી બાદ તેમની સાથે મારામારી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે.
એક્ઝિક્યુટિવ એન્જિનિયરે પણ ઘટનાની પુષ્ટિ કરી
વડોદરા મહાનગરપાલિકાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર વસંત સિંઘલે જણાવ્યું હતું કે, તેમના અધિકારી કામગીરી માટે સ્થળ પર ગયા હતા ત્યારે સ્થાનિક કોર્પોરેટર દ્વારા તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, કોર્પોરેટર દ્વારા આવું વર્તન કરવું યોગ્ય નથી. આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી છે અને હાલ અધિકારીઓ ફરિયાદ કરવા પહોંચ્યા છે.
મેયરની કેબિનમાં અધિકારીઓ અને કોર્પોરેટરની બેઠક
ઘટના બાદ મામલો વડોદરાના મેયર ગીતાબેન મકવાણા સુધી પહોંચ્યો છે. અધિકારીઓ મેયરની કેબિનમાં પહોંચ્યા હતા, જ્યાં દંડક અને કોર્પોરેટર મયુર ચોવટિયા પણ હાજર હતા. સમગ્ર વિવાદને લઈને બેઠક યોજાઈ હતી અને સમાધાનકારી વલણ અપનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
હાલ આ મામલે પોલીસ ફરિયાદ અને મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓની કાર્યવાહી પર સૌની નજર છે. સરકારી કામગીરી દરમિયાન અધિકારી સાથે થયેલી કથિત મારામારીને લઈને વડોદરા મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં પણ ચર્ચા શરૂ થઈ છે.