વડોદરા મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પ્રચાર અભિયાન શરૂ થતાં જ કેટલાક વિસ્તારોમાં લોકોનો રોષ પણ સામે આવી રહ્યો છે. ઘણા સ્થળોએ લોકો ઉમેદવારોને પાંચ વર્ષ સુધી વિસ્તારમા ન દેખાયા હોવાનો આક્ષેપ કરીને અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે.
આ વચ્ચે વડોદરા કોર્પોરેશનના વોર્ડ નંબર 10 માં ભાજપની મહિલા ઉમેદવાર અવનીબેન સ્ટેમ્પવાલા વિરુદ્ધ બેનરો લાગતા વિવાદ સર્જાયો છે. ભાજપે આ ચૂંટણીમાં અવનીબેન સ્ટેમ્પવાલાને ફરી એકવાર ઉમેદવાર તરીકે રીપીટ કરી ટિકિટ ફાળવી છે. પરંતુ સ્થાનિક રહીશો અને કેટલાક કાર્યકર્તાઓમાં આ નિર્ણયને લઈને નારાજગી જોવા મળી રહી છે.
વોર્ડના વિવિધ સર્કલ અને જાહેર સ્થળોએ લગાડાયેલા બેનરોમાં લખાયું છે કે, ગત પાંચ વર્ષ દરમિયાન મહિલા કોર્પોરેટરે કોઈ નોંધપાત્ર કામ કર્યું નથી અને ઉમેદવારની પસંદગી ખોટી કરવામાં આવી છે. આ બેનરો લાગતાં રાજકીય માહોલ વધુ ગરમાયો છે.
બેનરો અંગે માહિતી મળતા ભાજપના વોર્ડ નંબર 10 ના ઉમેદવાર નીતિન દોંગા અને પક્ષના કાર્યકર્તાઓ સ્થળ પર પહોંચ્યા હતા અને જાતે જ બેનરો ઉતારવાની કામગીરી હાથ ધરી હતી. સાથે જ કોણે આ બેનરો લગાડ્યા છે તેની તપાસ કરીને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી પણ કરવામાં આવી છે.
વડોદરા શહેરમાં ચૂંટણી પ્રચાર શરૂ થતા જ આ પ્રકારની ઘટનાઓ સામે આવતા રાજકીય માહોલ વધુ તંગ બનતો જઈ રહ્યો છે. આગામી દિવસોમાં પ્રચાર તેજ બનતા આવા વિવાદો વધુ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.