Advertisement

વડોદરા પોલીસ પર સવાલ, નંદેસરીમાં SMCના દરોડામાં 40 લાખથી વધુનો દારૂ જપ્ત

વડોદરા પોલીસ પર સવાલ, નંદેસરીમાં SMCના દરોડામાં 40 લાખથી વધુનો દારૂ જપ્ત

વડોદરામાં ફરી એકવાર દારૂ કૌભાંડ સામે આવ્યું છે, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા નંદેસરી વિસ્તારમાં દરોડો પાડી અંદાજે 40 લાખથી વધુ કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઘટનાને કારણે શહેર પોલીસની કામગીરી પર ફરી સવાલો ઊભા થયા છે, કારણ કે આટલો મોટો જથ્થો સ્થાનિક પોલીસની જાણ બહાર ઉતારવામાં આવી રહ્યો હતો.

માહિતી મુજબ, મહીસાગરના કોતરમાં આવેલા રઢિયાળપુરા વિસ્તારમાં દારૂનું મોટું કન્સાઇનમેન્ટ ઉતારવામાં આવી રહ્યું હતું. SMCએ દરોડો પાડતા લગભગ 700 જેટલી પેટીઓ મળી આવી હતી. આ મામલે કન્ટેનર સહિતના વાહનો પણ કબજે કરવામાં આવ્યા છે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ કેસમાં મનોજ પાપડ નામનો મુખ્ય સૂત્રધાર અને તેના સાગરીતો ઝડપાયા હોવાની માહિતી મળી છે. અગાઉ પણ વડોદરાના છાણી, જવાહરનગર અને નંદેસરી વિસ્તારમાંથી લાખોનો દારૂ SMC દ્વારા ઝડપાયો હતો, જેના કારણે સ્થાનિક પોલીસની ભૂમિકા પર પ્રશ્નચિહ્ન ઉભું થયું છે.

હાલ આ સમગ્ર કેસની તપાસ SMC દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. સતત આવી ઘટનાઓ સામે આવતા વડોદરા શહેરમાં દારૂના ગેરકાયદે ધંધા પાછળ કોનો હાથ છે અને સ્થાનિક પોલીસ તેને કેમ રોકી શકતી નથી તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

Advertisement