Advertisement

વડોદરા પોલીસ દ્વારા કડક કાર્યવાહી: 16 લાખનો દારૂ ચકનાચૂર

વડોદરા પોલીસ દ્વારા કડક કાર્યવાહી: 16 લાખનો દારૂ ચકનાચૂર

વડોદરા પોલીસ દ્વારા દારૂ વિરોધી કાર્યવાહી અંતર્ગત આજે સવારે કોયલી ચેકપોસ્ટ વિસ્તારમાં જપ્ત કરાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો તેમજ એસએમસી અને લોકલ પોલીસ દ્વારા પકડાયેલા દારૂને કોર્ટના હુકમ બાદ રોડ પર ગોઠવીને રોલર ફેરવી નષ્ટ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ઉચ્ચ અધિકારીઓ અને એસડીએમ પણ હાજર રહ્યા હતા, જેથી સમગ્ર પ્રક્રિયા કાયદેસર રીતે પૂર્ણ થઈ હતી.


પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ કરોડ રૂપિયાથી વધુ કિંમતના દારૂનો નાશ કરવામાં આવ્યો છે. આજે ખાસ કરીને ડીસીપી મંજીતા વણઝારાના માર્ગદર્શન હેઠળ છ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા અંદાજે 16 લાખ રૂપિયાના દારૂને કોયલી વિસ્તારમાં નષ્ટ કરવામાં આવ્યો હતો. દારૂની બોટલોને રોડ પર ગોઠવીને તેના ઉપર રોલર ફેરવાતા દારૂ રસ્તા પર વહેતો જોવા મળ્યો હતો, જેનાથી દ્રશ્ય જાણે દારૂની નદી વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

Advertisement