Advertisement

વડોદરા: પાદરાના ‘રાજા મેલડી ધામ’ના ઘનશ્યામ ભુવાનો પર્દાફાશ, વિજ્ઞાન જાથાએ ભ્રમણા અને છેતરપિંડીનું આખું નેટવર્ક ખુલ્લું પાડ્યું

વડોદરા: પાદરાના ‘રાજા મેલડી ધામ’ના ઘનશ્યામ ભુવાનો પર્દાફાશ, વિજ્ઞાન જાથાએ ભ્રમણા અને છેતરપિંડીનું આખું નેટવર્ક ખુલ્લું પાડ્યું

પાદરા: વડોદરાના પાદરામાં રેલ્વે સ્ટેશન પાસે આવેલા 'રાજા મેલડી ધામ'માં શ્રદ્ધાના નામે ચાલતા ધતિંગનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો છે. ઘનશ્યામ ઝાલા (મકવાણા) ઉર્ફે ઘનશ્યામ ભુવા દ્વારા ચલાવવામાં આવતા આ અડ્ડા પર ભોળા લોકોને ડરાવી, વિધિના નામે લાખો રૂપિયા પડાવવાનું વ્યવસ્થિત કૌભાંડ ઝડપાયું છે. વિજ્ઞાન જાથાનો આ 1284મો સફળ પર્દાફાશ છે.


 ઘનશ્યામ ભુવા પોતાના પરિવારના સભ્યો—પત્ની રમીલા, પુત્ર દર્શન અને રાજવીર સાથે મળીને ધૂણવાનો અને ભ્રમણા ફેલાવવાનો વ્યવસાય ચલાવતો હતો. કેન્સર જેવા ગંભીર રોગોના નિવારણ, સંતાન પ્રાપ્તિ અને મેલી વસ્તુ દૂર કરવાના નામે તે ₹11,000 થી ₹1,50,000 સુધીની વિધિ કરાવતો હતો. દર રવિવાર, મંગળવાર અને ગુરુવારે યોજાતા આ દરબારમાં માત્ર જોવડાવા આવનાર વ્યક્તિએ ફરજિયાત ₹101ની ભેટ ધરવી પડતી હતી. પ્રાથમિક અંદાજ મુજબ, માત્ર ત્રણ દિવસની તેની આવક ₹5 થી 7 લાખ જેટલી થતી હતી.


 આશ્ચર્યજનક બાબત એ છે કે, આ ભુવો માતાજીને દારૂની બોટલ ચડાવતો હતો અને બાજુમાં જ તે દારૂનું વેચાણ કરીને વધારાની કમાણી કરતો હતો. મોટે અવાજે ડી.જે. વગાડી આરતી અને ધૂન કરવાના કારણે પડોશીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા હતા. આ ઉપરાંત, મજબૂર મહિલાઓને હોટલ સુધી લઈ જવાના ગંભીર આક્ષેપો સાથે જાથા દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે.


 ભોળા લોકોના પૈસે ઘનશ્યામ ભુવો અત્યંત વૈભવી જીવન જીવતો હતો. તે હાથમાં સોનાનો પટ્ટો અને ચાંદીના કડા પહેરીને ભક્તો પર રોફ જમાવતો અને મોંઘી ગાડીઓનો શોખીન છે. તેની પાસે સાગ્રીતોની આખી ફૌજ છે, જેમાં પિયુષ ચૌહાણ, સહજાનંદ પારેખ, રાજુ વસાવા સહિત 10 જેટલા લોકો સામેલ છે, જેઓ ફરિયાદીઓને ડરાવવાનું અને ધાક-ધમકી આપવાનું કામ કરતા હતા. જો કોઈ તેની વાત ન માને તો તે 'માતાજી બેસાડી દેવાની' ધમકી આપી ડર ફેલાવતો હતો.


 વિજ્ઞાન જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાના વડપણ હેઠળની ટીમે પાદરા પોલીસને આ અંગે લેખિત રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવા પત્ર પાઠવ્યો છે. આ પર્દાફાશમાં વડોદરા રેન્જ આઈ.જી.પી., જિલ્લા પોલીસ વડા અને સ્થાનિક પોલીસનો સહયોગ લેવામાં આવ્યો હતો.

Advertisement